સંગીતની રસભરી મહેફિલને પોતાના મધુર સૂરોથી શણગારનાર સૂરીલા કસબી ગૌરાંગ વ્યાસ 87 વર્ષની વયે સ્વરલોકમાં વિલીન થયા છે. ‘હું અમદાવાદનો રિક્ષાવાળો...’ અને ‘સાંવરિયો રે મારો- સાંવરિયો...’થી લઈને ‘હું તો ગઈ તી મેળે...’ અને ‘દીકરી તો પારકી થાપણ...’ કહેવાય જેવા અનેક ગીતો-સ્વરાંકનોમાં પોતાનું યોગદાન આપનાર સ્વરકાર ગૌરાંગ વ્યાસે કારકિર્દી દરમિયાન 2500 જેટલા સ્વરાંકનો આપ્યા છે. હિન્દી ફિલ્મોનાં દિગ્ગજ ગાયકો લતા મંગેશકર, કિશોર કુમાર, મન્ના ડે, મહેન્દ્ર કપૂર સહિતના કલાકારોને ગુજરાતી સંગીતમાં લાવવાનું શ્રેય પણ તેમને જાય છે. ગુજરાતી ચલચિત્ર સંગીત તથા સુગમ સંગીતના અગ્રણી પ્રયોગશીલ સ્વરનિયોજક અને ગાયક કલાકાર તરીકે તેમની નામના હતી.
પાર્કિન્સન સહિતની બીમારીઓ અને વયોવૃદ્ધ ઉમરને કારણે 3 સપ્ટેમ્બર - ગુરુવારે વહેલી સવારે એક ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 24 નવેમ્બર 1938ના રોજ જન્મેલા ગૌરાંગ વ્યાસે સંગીતજગતમાં પિતા અવિનાશ વ્યાસનો વારસો જાળવ્યો હતો. ગુજરાતી સંગીત-વિશ્વમાં શિરમોર સ્થાન ધરાવતા પિતા અવિનાશ વ્યાસે જન્માષ્ટમી પર્વે અંતિમ શ્વાસ લીધા હતા અને પુત્ર ગૌરાંગભાઇએ આ જ દિવસોમાં દેહ છોડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું ગૌરાંગભાઇની વિદાયથી ગુજરાતી ગીત સંગીત ક્ષેત્રનો એક યુગ આથમી ગયો છે.
સૂર સાધક ગૌરાંગભાઇની સંગીત કારકિર્દી 1961થી શરૂ કરીને વર્ષ 2025 સુધી અવિરત ચાલી છે. આ દરમિયાન તેમણે 135 જેટલી ગુજરાતી અને 15 જેટલી હિન્દી ફિલ્મમાં સંગીત આપ્યું છે. 100થી વધારે ફિલ્મો, 500થી પણ વધારે સુગમ સંગીતના સ્વરાંકનો અને લતા મંગેશકર સહિતના દિગ્ગજ ગાયકો સાથેનું કામ... ખરેખર ગૌરાંગ વ્યાસે ગુજરાતી સંગીતને લોકસંગીત, ફિલ્મ અને સુગમ સંગીત એમ ત્રણેય ક્ષેત્રે અનોખા સ્વરૂપે સમૃદ્ધ બનાવ્યા છે.
દિગ્ગજ ગાયકો સાથે કામ
ગૌરાંગ વ્યાસે ગુજરાતી ફિલ્મ સંગીતમાં હિન્દી ફિલ્મજગતના અનેક મોટા નામ સાથે સંગીત આપ્યું હતું. આ દિગ્ગજ કલાકારોમાં લતા મંગેશકર, આશા ભોંશલે, કિશોર કુમાર, મન્ના ડે, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર, પ્રીતિ સાગર અને ભૂપિન્દર સિંહ જેવા ગાયકોનો સમાવેશ થાય છે. જોકે, ખાસ ઉલ્લેખનીય છે કે, ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’, જે લતા મંગેશકરે ગાયું હતું અને આજે પણ ગુજરાતીઓમાં કન્યાવિદાય પ્રસંગ સાથે ગાઢ રીતે જોડાયેલું ગીત છે. કિશોર કુમારે ગાયેલું સૌપ્રથમ ગુજરાતી ગીત ‘નારી નરકની ખાણ...’ છે. ‘લાખો ફુલાણી’નું આ ગીત ગૌરાંગભાઇએ સ્વરબદ્ધ કર્યું હતું અને કિશોર કુમારના મોટાભાઈ અનૂપ કુમાર પર ફિલ્માવાયું હતું. તે સમયે સેન્સરના કારણે આ લાઈન હટાવીને બાકીનું ગીત રખાયું હતું. આ ઉપરાંત અલ્કા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ, અનુરાધા પૌડવાલ, સાધના સરગમ, બાબુલ સુપ્રિયો, શાન, સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ જેવા દિગ્ગજોએ તેમના સ્વરાંકનોને અવાજ આપ્યો છે.
સંગીત સફરની સંપૂર્ણ ઝલક...
• પ્રથમ ગીત / સંગીત રચનાઃ ગૌરાંગ વ્યાસ 5 વર્ષની ઉંમરથી હાર્મોનિયમ પર ‘વૈષ્ણવ જન...’ વગાડતા હતા. વર્ષ 1961માં અમદાવાદમાં શરૂ થયેલી શ્રુતિ સંસ્થા સાથે જોડાયા અને હાર્મોનિયમ વગાડતા ગીતોને સ્વરબદ્ધ કરવાની શરૂઆત કરી હતી.
• પ્રથમ સ્ટેજ પરફોર્મન્સઃ સંગીત પ્રવાસની શરૂઆત – અમદાવાદની શ્રુતિની બેઠકો અને સમૂહ ગાનના પ્રયોગોથી થઈ હતી. અહીં તેઓ હાર્મોનિયમ વગાડતા અને સંગીત સાથે વધુ સક્રિય રીતે જોડાતા ગયા હતાં.
• ફિલ્મ સંગીતમાં પ્રથમ મોટી તકઃ પિતા અવિનાશ વ્યાસ સાથે ગૌરાંગ વ્યાસે ‘જેસલ તોરલ’માં સહાયક તરીકે કામ કર્યા બાદ સ્વતંત્ર સંગીતકાર તરીકે પ્રથમ તક વર્ષ 1976માં ‘લાખો ફુલાણી’ થકી મળી હતી.
‘લાખો ફુલાણી’ સાથે જોડાયેલી યાદગાર બાબતો
ગૌરાંગ વ્યાસને સ્વતંત્ર સંગીતકાર તરીકે પ્રથમ તક 1976માં ‘લાખો ફુલાણી’ થકી મળી હતી. આ ફિલ્મ સાથે અનેક યાદગાર બાબતો જોડાયેલી છે. જેમાં પ્રફુલ્લ દવેએ ‘મણિયારો તે હલુ હલુ થઈ રે વીયો...’ ગીત ગાયું હતું. પ્રફુલ્લ દવેએ કોઈ ફિલ્મમાં ગાયેલું આ પ્રથમ ગીત હતું, અને આજની તારીખે આ ગીત ગુજરાતીઓના હૈયે અને હોઠે રમે છે. કિશોર કુમારે કારકિર્દીનું પ્રથમ ગુજરાતી ફિલ્મી ગીત ‘લાખો ફુલાણી’માં ગાયું હતું. આ ફિલ્મમાં મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલેએ ગીતો ગાયા હતાં. ફિલ્મના ગીતો અવિનાશ વ્યાસે લખ્યાં હતાં.
કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિઓ...
ગૌરાંગ વ્યાસે 100થી વધારે ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમની ફિલ્મી કારકિર્દીની યાદગાર કૃતિમાં ‘ભવની ભવાઈ’, ‘મણિયારો’, ‘નસીબની બલિહારી’, ‘પારકી થાપણ’, ‘લીલુડી ધરતી’, ‘મૈયરમાં મનડું નથી લાગતું’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ખાસ કરીને કેતન મહેતાની ‘ભવની ભવાઈ’ જે વર્ષ 1981માં રિલીઝ થઈ હતી, તેનું સંગીત ગૌરાંગ વ્યાસની કારકિર્દીનું અત્યંત મહત્ત્વનું પ્રકરણ બન્યું હતું અને ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી હતી. ફિલ્મ સંગીત ઉપરાંત ગુજરાતી સુગમ સંગીતમાં 500થી વધુ સ્વરાંકનો કર્યા છે. રાસ-ગરબા, ભજન, લોકસંગીત, નૃત્યનાટિકા અને ટીવી શ્રેણીઓમાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે.
એવોર્ડ્સ અને સન્માન
સંગીત ક્ષેત્રે પ્રદાન બદલ ગૌરાંગભાઇ આમ તો અનેક સન્માન-પુરસ્કરોથી પોંખાયા હતા, પરંતુ મુખ્ય પુરસ્કારોની વાત કરીએ તો ગુજરાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીત માટે 11 પુરસ્કારો મળ્યા હતા. 2022માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી એનાયત થયો હતો. વર્ષ 2024માં ગુજરાત સ્ટેટ મ્યુઝિક એકેડેમી, ગુજરાત ટુરિઝમ દ્વારા પણ તેમના સંગીતક્ષેત્રના યોગદાન બદલ સન્માન કરાયું હતું.
ગૌરાંગ વ્યાસના જાણીતા સ્વરાંકનો
• સાંવરિયો રે મારો સાંવરિયો...
• દીકરી તો પારકી થાપણ કહેવાય...
• હે ઓધાજી...
• હું તો ગઈ’તી મેળે...
• મા તારો ગરબો ઝાકમઝોળ...
• આજ ગગનથી ચંદન ઢોળાય રે...
• હું અમદાવાદનો રિક્ષાવાળો...
• ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી...
•••
ગૌરાંગ વ્યાસની યાદગાર રચનાઓ
• મણિયારો તે હલુ હલુ થઈ...
• હુ તુ તુ તુ જામી રમતની ઋતુ...
• લાખ લાખ દીવડા...
• આજ વગડાવો રૂડા શરણાઈ ને ઢોલ...
• મને એકલી મેલીને...
• ચાંદો ઉગ્યો ચોકમાં...
• એની જરીયાળ મોજડીએ...
• ગોળનાં રમકડાં...
• આજ મારો સોનાનો સૂરજ...
• ઘોર અંધારી રાતલડીમાં...


