પ્રિયંકા ચોપરા-જોનાસે મુંબઈમાં તેની પિતરાઈ બહેન મન્નારા સાથે વિખ્યાત સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લઈને વિઘ્નહર્તા ગણપતિના દર્શન કર્યા હતા. આ પ્રસંગે પ્રિયંકાએ ગુલાબી સલવાર સૂટ અને વાદળી રંગનો દુપટ્ટો પહેર્યો હતો. જોકે, આ મુલાકાત દરમિયાન તેની પુત્રી માલતી દેખાઈ નહોતી.કડક સુરક્ષા વ્યવસ્થા સાથે પ્રિયંકાએ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કર્યો હતો. પ્રિયંકાની ઝલક મેળવવા માટે પ્રશંસકોએ ભીડ જમાવી હતી. પ્રિયંકાએ મંદિરની બહાર નીકળ્યા બાદ ફોટોગ્રાફર્સ તથા તેના ચાહકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. આ પછી તે કારમાં બેસી રવાના થઈ ગઈ હતી.
જાણવા જેવી બાબત છે કે પ્રિયંકા ભારતમાં જ્યાં પણ શૂટિંગ કરવા જાય ત્યાંના જાણીતા મંદિરોમાં દર્શન કરવા જાય છે. તાજેતરમાં પ્રિયંકાએ પંજાબમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન સુવર્ણ મંદિરની મુલાકાત લઈ ત્યાં વાસણ ધોવાની સેવા પણ કરી હતી. આ પૂર્વે પ્રિયંકાએ પતિ નિક જોનાસ અને પુત્રી માલતી સાથે અયોધ્યામાં રામમંદિરની પણ મુલાકાત લઈને પરિવાર માટે આશીર્વાદ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે ગ્લોબલ સ્ટાર હોવાની સાથે-સાથે પ્રિયંકા એક ખૂબ જ પ્રેમાળ માતા પણ છે, જેનો પુરાવો તેના સોશિયલ મીડિયા પોસ્ટ્સ પરથી મળતો રહે છે. તાજેતરમાં જ પ્રિયંકાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નવો વીડિયો શેર કર્યો છે, જેમાં એ તેની વ્હાલી દીકરી માલતી મૈરી ચોપરા જોનાસને પવિત્ર મંત્રો શીખવતી જોવા મળે છે. વીડિયોના પ્રથમ ભાગમાં પ્રિયંકા માલતીને પોતાના ખોળામાં પ્રેમથી બેસાડીને દુર્ગા સપ્તશતીના મંત્રો શીખવતી જોવા મળે છે. જ્યારે વીડિયોના બીજા ભાગમાં પ્રિયંકાનો એકદમ અલગ જ ગ્લેમરસ અંદાજ જોવા મળે છે, જેમાં તે એક સુંદર ડ્રેસમાં ડાન્સ ફ્લોર પર ધૂમ મચાવતી નજરે પડે છે.


