ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના... કભી અલવિદા ના કહેના

Wednesday 23rd February 2022 06:38 EST
 
 

હિન્દી ફિલ્મજગતમાં ડિસ્કો અને પોપ મ્યુઝિકનો જમાનો લાવનારા ગાયક-સંગીતકાર બપ્પી લહરીએ ફાની દુનિયાને અલવિદા કહ્યું છે. તેઓ ૬૯ વર્ષના હતા. ૧૦ દિવસ પૂર્વે લતા મંગેશ્કર અને હવે બપ્પી લહરીની વિદાયે બોલિવૂડને આઘાતનો આંચકો આપ્યો છે. ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિઆ (ઓએસએ) અને રિકરન્ટ ચેસ્ટ ઇન્ફેક્શનથી પીડાતા બપ્પીદા છેલ્લા એક મહિનાથી સારવાર માટે મુંબઇની હોસ્પિટલમાં એડમિટ હતા, અને બુધવારે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. ૧૯૭૦ અને ૮૦ના દસકામાં સેંકડો હિટ સોંગ્સ આપનાર બપ્પીદા સિન્થેસાઈઝર માસ્ટર અને કી-બોર્ડ કંપોઝર હતા અને આથી જ પરંપરાગત સંગીતકારો તેમને પસંદ કરતા નહોતા. ક્લાસિકલ મ્યુઝિકના પ્રેમી અને લેજન્ડ નૌશાદનો બપ્પી પ્રત્યનો અણગમો જગજાહેર હતો. જોકે, બપ્પી યુથફૂલ ઈમોશન્સના આઈકોન બની ગયા હતા. ક્લાસિકલ મ્યુઝિકને પોપની ચેલેન્જ અને બીટને મેલોડી દ્વારા પડકારીને બપ્પીએ આખી સિસ્ટમ હચમચાવી હતી. હિન્દી ફિલ્મઉદ્યોગમાં ડિસ્કો ગીત-સંગીતના પ્રણેતા ગણાતા આ જ બપ્પીદાએ કિશોર કુમાર સાથે ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના... અને લતાજી સાથે દૂર દૂર તુમ રહે... જેવા સદાબહાર ગીતો પણ તૈયાર કર્યાં હતાં.
૧૯૭૬માં ચલતે ચલતે સુપરહિટ સાબિત થયું હતું ત્યારે બપ્પીજીની ઉંમર ૨૩ વર્ષની હતી. ‘ઝખ્મી’માં તેમણે કિશોર કુમાર પાસે સોલો ઝખ્મી દિલો કા બદલા..., જલતા હૈ જિયા મેરા ભીગી ભીગી રાતો મેં... આશા ભોંસલે અને લતાજી સાથે, આઓ તુમ્હે ચાંદ પે લે જાયે... જેવા ગીતો બનાવ્યા હતા. ૨૫ વર્ષની ઉંમર સુધીમાં તેમણે આપ કી ખાતિર અને બમ્બઈ સે આયા મેરા દોસ્ત... જેવા ગીતો જાતે ગાયા હતા. કિશોર કુમાર સાથે જોડી જમાવીને તેઓ છવાઇ ગયા હતા
અને દિલ સે મિલે દિલ..., યે નૈના યે કાજલ... જેવા સુપરહિટ ગીતો આપ્યા હતા.
૧૯૮૦માં તેઓ ડિસ્કો તરફ વળ્યા. ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ડિસ્કોની બાબત નવી હતી. તેમના આ નવકદમની સાથે જ ડાન્સિંગ સ્ટાર મિથુન ચક્રવર્તીનો ઉદય થયો હતો. ‘કુરબાની’, ‘વારદાત’ ફિલ્મોમાં ઢીંચાક... ઢીંચાક ગીતોની સાથે તેમણે ગિટારનો પણ અનોખી રીતે ઉપયોગ કરી બતાવ્યો હતો. મિથુન અને બપ્પીની જોડી માટે ‘ડિસ્કો ડાન્સર’ ગેમ ચેન્જર સાબિત થઈ હતી અને ભારત ઉપરાંત યુએસએમાં પણ તેણે ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. બોલિવૂડમાં તે સમયગાળા દરમિયાન હીટ ફિલ્મ માટે પોપ્યુલર મ્યુઝિક અનિવાર્ય હતું. અને તેમાં ડિસ્કો ફોર્મ્યુલા બની હતી.
ડાન્સિંગ સ્ટાર મિથુન ઉપરાંત જમ્પિંગ જેક તરીકે ઓળખાતા જિતેન્દ્ર પણ બપ્પી લહરી સાથે જોડાયા હતા. બપ્પીની ફોર્મ્યુલા અસરકારક બની હોવાથી લક્ષ્મીકાંત પ્યારેલાલ, આર.ડી. બર્મન અને રાજેશ રોશન જેવા અનેક સંગીતકારો તેમને ફોલો કરતા હતા. ૮૦ના દાયકામાં બપ્પીદાએ અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘શરાબી’માં ઈતિહાસ સર્જી દીધો હતો. બપ્પીની આ ફોર્મ્યુલામાં સાઉન્ડ સરખા રહ્યાં, પરંતુ તેમણે લતા, કિશોર ઉપરાંત આશા ભોંસલે, ભુપિન્દર સિંઘ અને અમિત કુમાર જેવા ગાયકો સાથે સદાબહાર ગીતો આપ્યાં.
લતાજીથી માંડીને શ્રેયા સાથે હિટ સોંગ્સ
લિજન્ડરી સિંગર-કમ્પોઝર બપ્પી લહરી ગીત-સંગીતનો અઢળક વારસો મૂકીને ગયા છે. ૭૦ના દસકાથી હિટ સોંગ્સ આપવાની બપ્પીજીની ખાસિયત છેક ૨૦૨૦ સુધી અકબંધ રહી હતી. તેમની કરિયરનું છેલ્લું સોંગ ‘બાગી-૩’માં હતું. ચાર દાયકા કરતાં વધુ સમય સુધી દરેક જનરેશનના ઈમોશન્સ શેર કરનારા બપ્પીજીના નિધનથી બોલિવૂડ આઘાતમાં છે. નવી પેઢીની વાત કરીએ તો, ૨૦૧૧માં તેમણે ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’નું સુપરહિટ સોંગ ઉ લા લા... આપ્યું હતું. શ્રેયાએ બપ્પીજીને અંજલિ આપતાં લખ્યું છે કે, મોસ્ટ આઈકોનિક પર્સનાલિટી, આપણ દેશના રીઅલ રોકસ્ટાર. અમે નસીબદાર છીએ કે, કરિયરમાં તેમની સાથે ગાવાનો અનેક વખત ચાન્સ મળ્યો, બ્લેસિંગ્સ મળ્યા. બપ્પીદા તમે બહુ વહેલા જતા રહ્યાં. ઓમ શાંતિ... કમ્પોઝર-સિંગર વિશાલ ડડલાણીએ ‘ડર્ટી પિક્ચર’ ઉપરાંત ‘ગુંડે’માં પણ તેમની સાથે કામ કર્યં હતું. વિશાલે લખ્યું હતુંઃ પહેલા મારા પિતા, પછી લતાજી અને હવે બપ્પીદા. ૨૦૨૨નું વર્ષ ખૂબ ખરાબ રહ્યું છે. અદનાન સામીએ ફિલ્મ ‘ચલતે ચલતે’માં કિશોર કુમારે ગાયેલા ગીત કભી અલવિદા ના કહેના... સાથે તેમને યાદ કર્યા હતા અને તેમને દેશના ફર્સ્ટ રોકસ્ટાર કહ્યા હતા. શંકર મહાદેવન્, અનુપ જલોટાએ બપ્પીજી સાથેના યાદગાર ફોટોગ્રાફ શેર કરીને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ પડ્યાનું કહ્યું હતું અને ફેમિલીને સાંત્વના આપી હતી. હિમેશ રેશમિયા, શેખર રાવજીઆનીએ બપ્પી લહરીને આદરપૂર્વક યાદ કર્યા હતા.
માત્ર સંગીત નહીં, સુવર્ણ પ્રેમ માટે પણ જાણીતા
પોતાના સંગીતના તાલે દરેકને ડોલવા માટે મજબૂર કરી દેનારા બપ્પી લહરીનો ગોલ્ડ લવ હંમેશા ન્યૂઝમાં રહેતો હતો. પાંચ દાયકાની કરિયર આગળ વધતી રહી તેમ બપ્પીજીના શરીર પર સોનાની ચેઈન વજનદાર થતી રહી. ગોલ્ડ માટેના આ વળગણનું કારણ આપતા બપ્પીદાએ કહ્યું હતું કે, ગોલ્ડ તેમનું લકી ચાર્મ છે. ‘ઝખ્મી’ ગીત રેકોર્ડ કર્યું ત્યારે મમ્મીએ એક ગોલ્ડ ચેઈન આપી હતી અને તેમાં ભગવાનના નામનું લોકેટ હતું. મેરેજ બાદ પત્નીએ પણ ગોલ્ડ લકી હોવાનું કહ્યું. તેથી મેરેજ લાઈફમાં ગોલ્ડ ચેઈન સતત મોટી થતી રહી. જો કે મારા ગળા પરના ગણપતિ મને સલામત રાખે છે. આજે કોઈ પણ વ્યક્તિ સોનાની ભારે ચેઈન પહેરે છે તો તેને બપ્પીદાની કોપી કહેવામાં આવે છે.
બપ્પીજીનો આ ગોલ્ડ પ્રેમ મજાકનું કારણ પણ બન્યો હતો. સ્વ. રાજકુમારે તેમની ટીખળ કરતાં કહ્યું હતું કે, ‘માત્ર મંગળસૂત્ર જ બાકી રહે છે...’ સોનાને અને ગણપતિને લકી ચાર્મ કહેનારા બપ્પીજીએ કપિલ શર્માના શો દરમિયાન એક જૂનો પ્રસંગ યાદ કર્યો હતો. ૧૯૯૬માં પોપ સ્ટાર માઈકલ જેક્સન મુંબઈ આવ્યો હતો. બપ્પીદા તે સમયે એક જગ્યાએ બેઠા હતા. માઈકલ જેક્સન પસાર થઇ રહ્યા અને મારા ગળામાં ગણપતિવાળી ગોલ્ડ ચેઈન પર તેમની નજર પડી. તેઓ ઊભા રહી ગયા અને બોલ્યા ‘ઓહ માય ગોડ, ફેન્ટાસ્ટિક... તમારું નામ શું છે?’ મેં પરિચય આપતાં કહ્યું, ‘હું બપ્પી લહરી છું...’ જેક્સન તરત બોલ્યા, ‘શું તમે કમ્પોઝર છો?’ મેં જવાબ આપ્યો, ‘હા, મેં ડિસ્કો ડાન્સર કરી છે.’ માઈકલે તરત કહ્યું, તેને જિમી જિમી સોંગ ખૂબ પસંદ છે.
આજીવન ગોલ્ડ પ્રેમી રહેલા બપ્પી દાએ ૨૦૧૬ના વર્ષથી અન્ય ધાતુના ઘરેણાં પસંદ કર્યાં હતા. તેઓ બાદમાં લુમિનેક્સ ઉનોના ઘરેણાં પસંદ કરતા હતા. આ ધાતુમાં સોનુ, પ્લેટિનમ, પેલેડિયમ અને ચાંદી જેવી ધાતુઓનું મિશ્રણ હોય છે. પ્રમાણમાં સોના કરતાં સસ્તી પણ આકર્ષક દેખાતી આ ધાતુ નવી પેઢીની પહેલી પસંદ ગણાય છે. મ્યૂઝિકમાં દરેક જનરેશનની પસંદ પારખનારા બપ્પીદાએ જ્વેલરી સિલેક્શનમાં પણ સમયની સાથે ચાલવાનું પસંદ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter