રાજસ્થાનના એક ઉદ્યોગપતિ સાથે 30 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલે ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ અને તેની પત્ની શ્વેતાંબરી ભટ્ટની રવિવારે મુંબઈ પોલીસ અને રાજસ્થાન પોલીસે ધરપકડ કરી છે. પોલીસ ટીમે મુંબઈમાં જ રહેતાં વિક્રમના સાળીના ઘરેથી બંનેની ધરપકડ કરી હતી. રાજસ્થાનના ઈન્દીરા ગ્રૂપ ઓફ કંપનીઝના માલિક ડો. અજય મુડિયાએ 17 નવેમ્બરે વિક્રમ ભટ્ટ સહિત 8 લોકો સામે રૂ. 30 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ડો. મુડિયાના કહેવા પ્રમાણે એક ઇવેન્ટમાં દિનેશ કટારિયા નામની વ્યક્તિ સાથે તેમની મુલાકાત થઈ હતી. કટારિયાએ ડો. મુડિયાના દિવંગત પત્નીની બાયોપિક બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેના અનુસંધાને 24 એપ્રિલ 2024ના રોજ તેમને મુંબઈના વૃંદાવન સ્ટુડિયોમાં બોલાવીને ત્યાં વિક્રમ ભટ્ટ સાથે મુલાકાત કરાવાઈ હતી અને બાયોપિક અંગે ચર્ચા થઈ હતી. વાતચીત દરમિયાન નક્કી થયું હતું કે ફિલ્મ બનાવવાની પૂરી જવાબદારી વિક્રમ ભટ્ટ લેશે. ડો. મુડિયા તેમને નિયમિત રીતે પૈસા મોકલતા રહેશે. વિક્રમ અને ડો. મુડિયા વચ્ચે બે ફિલ્મ માટે રૂ. 40 કરોડનો કોન્ટ્રાક્ટ થયો હતો.


