વર્ષ ૨૦૨૧ની હજી તો શરૂઆત થઈ છે ત્યાં જ મનોરંજન જગતમાં માઠા સમાચાર આવ્યા છે. રવિવારે ૭૩ વર્ષીય બંગાળી એક્ટર ઈન્દ્રજિત દેબ તથા ૪૨ વર્ષીય મલયાલમ સિંગર સોમદાસનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. કોલકાતાના ગોલા પાર્કમાં રહેતા ઈન્દ્રજિત દેબનાં પત્નીનું ગયા વર્ષે અવસાન થયું હતું. ત્યારબાદથી ઈન્દ્રજીત એકલા જ હતા. તેમને લાંબા સમયથી કિડનીની બીમારી હતી. આ ઉપરાંત તેમને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ પણ હતો. તેમણે પોતાના કરિયરની શરૂઆત 'તેરો પરબોન'થી કરી હતી. આ સાથે જ 'હીકરુણામોઈ રાની રસમોની' તથા વેબ સિરીઝ 'ધ એન્ડવેન્ચર્સ ઓફ ગોગોલ'માં પણ કામ કર્યું હતું.
સોમદાસ કોરોના પોઝિટિવ હતા
‘બિગ બોસ’ મલયાલમમાં ભાગ લઈ ચૂકેલા સોમદાસ કોરોના પોઝિટિવ હોવાથી કોલ્લમ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ હતા. તેમને હાર્ટ અટેક આવ્યો હતો. તેઓ 'સ્ટાર સિંગર' રિયાલિટી શોથી લોકપ્રિય બન્યા હતા. વર્ષ ૨૦૦૮માં આવેલા આ શોમાં સોમદાસ વિનર તો ના બની શક્યા, પરંતુ લોકપ્રિય થયા હતા. હાલમાં જ સોમદાસ મલયાલમ 'બિગ બોસ'ની બીજી સિઝનમાં જોવા મળ્યા હતા. જોકે, બ્લડપ્રેશર તથા કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાને કારણે તેમને શો છોડવાની સલાહ આપવામાં આવી હતી.