જાપાનમાં 'RRR'એ રૂ. 10 કરોડની કમાણી કરી '3 ઇડિયટ્સ'ને પછાડી

Thursday 01st December 2022 04:47 EST
 
 

ફિલ્મ 'RRR'એ ભારતમાં તો જબરજસ્ત બિઝનેસ કર્યો જ છે, વિદેશમાં પણ સફળતાના ધ્વજ લહેરાવ્યા છે. ફિલ્મ જાપાનમાં 240 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે અને 17 જ દિવસમાં આ ફિલ્મે ઇન્ડિયન કરન્સીમાં અંદાજે 10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મ આમિર ખાનની '3 ઇડિયટ્સ'ને પછાડીને જાપાનમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની છે. પ્રથમ તથા બીજા નંબરે 24 વર્ષ પહેલાં રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મ 'મુથુ' તથા રાજામૌલિની ફિલ્મ 'બાહુબલી-2' છે. 'RRR' ફિલ્મના કલાકારો રામચરણ તથા જુનિયર એનટીઆરએ જાપાનમાં ફિલ્મનું જોરદાર પ્રમોશન કર્યું હતું. જાપાનમાં ઇન્ડિયન ફિલ્મની કમાણીની વાતો કરીએ તો 24 વર્ષ પહેલાં રિલીઝ થયેલી રજનીકાંતની ‘મુથુ’ રૂ. 22 કરોડની કમાણી સાથે આજે પણ ટોપ પર છે. જ્યારે 'બાહુબલી-2' બીજા નંબરે અને રૂ. 9 કરોડની કમાણી સાથે '3 ઇડિયટ્સ' ત્રીજા સ્થાને હતી. જોકે 'RRR' રૂ. 10 કરોડની કમાણી સાથે ત્રીજા સ્થાને પહોંચી છે.
'RRR'એ અત્યાર સુધીમાં 1,200 કરોડ રૂપિયાથી વધુનું વર્લ્ડવાઇડ કલેક્શન કર્યું છે અને આજે પણ ફિલ્મ વિશ્વના વિવિધ દેશોમાં કમાણી કરી રહી છે. અમેરિકામાં પણ આ ફિલ્મ વિવિધ શહેરમાં રિલીઝ થઈ છે. અમેરિકામાં આ ફિલ્મે રૂ. 110.7 કરોડનો બિઝનેસ કર્યો છે. રાજામૌલિના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ પેન ઇન્ડિયામાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રામચરણ તેજા, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ, અજય દેવગન તથા શ્રેયા સરન લીડ રોલમાં હતા. આ ફિલ્મ 25 માર્ચ 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter