જામે છે હોં... ‘જયેશભાઈ જોરદાર’

Friday 06th May 2022 06:39 EDT
 
 

રણવીર સિંહની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ સોશ્યલ મીડિયામાં છવાઇ ગયું છે. આમ તો ટ્રેલર રિલીઝ થતાં પહેલાં જ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા હતી, લોકો આ ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રણવીર સિંહ દર વખતે કંઈક નવું લઈને આવે છે અને હંમેશાં પોતાની શાનદાર એક્ટિંગથી લોકોને ચોંકાવી દે છે. ‘જયેશભાઈ જોરદાર’ના ટ્રેલરમાં પણ તેનો આવો જ શાનદાર અભિનય જોવા મળે છે. ફિલ્મની સ્ટોરી પણ રસપ્રદ છે આ ફ્લ્મિમાં શાલિની પાંડે રણવીર સિંહની પત્નીના રોલમાં છે. ફિલ્મમાં બોમન ઈરાની રણવીરના પિતાની ભૂમિકામાં જ્યારે રત્ના પાઠક માતાની ભૂમિકામાં છે.

આ ફિલ્મમાં ગુજરાતના એક ગામનો સેટ છે, જ્યાં સરપંચ બોમન ઈરાનીને પૌત્ર ઝંખે છે જ્યારે રણવીર બીજી વખત પણ દીકરીનો પિતા બનવાનો હોય છે. જ્યારે તેને ખબર પડે છે કે બીજું સંતાન પણ પુત્રી જન્મવાનું છે ત્યારે રણવીર પત્ની અને મોટી દીકરીને લઇ ઘર છોડીને ભાગી જાય છે. ‘જયેશભાઈ જોરદાર’ આગામી 13 મેના રોજ રિલીઝ થશે. લોકોને આ ફિલ્મમાં રણવીર સિંહનો જરા હટકે અંદાજ ખૂબ પસંદ આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter