જાવેદ અખતરની પાક.માં ‘સર્જિકલ સ્ટ્રાઇક’

Saturday 04th March 2023 08:22 EST
 
 

બોલિવૂડના મશહૂર ગીતકાર અને શાયર જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં યોજાયેલા સમારોહમાં ‘શબ્દોની સર્જિકલ સ્ટ્રાઇક’ કરીને આવ્યા છે. આ નરમ દિલ શાયરે બહુ આકરા શબ્દોમાં પાક. ઓડિયન્સને કહ્યું હતું કે અમે મુંબઈ પર કરાયેલા 26-11ના ખોફનાક આતંકવાદી હુમલાને ભૂલ્યા નથી અને એ હુમલાને અંજામ આપનારા તમારા દેશમાં અત્યારે ટેસથી ફરે છે.
મહાન ઉર્દૂ શાયર ફૈઝ અહમદ ફૈઝની સ્મૃતિમાં લાહોરમાં યોજાયેલા સાતમા ફૈઝ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે જાવેદ અખ્તર અને બીજા ભારતીય લેખકો પાકિસ્તાન પહોંચ્યા હતા. આ સમારોહમાં શ્રોતાગણમાંથી એક સભ્યે ઉભા થઇને જાવેદ અખ્તરને કહ્યું હતું કે તમે ઘણીવાર પાકિસ્તાનની મુલાકાત લઇ ચૂક્યા છો. હવે ભારત પાછા જાવ ત્યારે તમારા દેશવાસીઓને કહે જો કે પાકિસ્તાનીઓ ખૂબ પ્રેમાળ છે, મૈત્રીપૂર્ણ વ્યવહાર કરે છે. પાકિસ્તાનીઓ માત્ર બોમ્બિંગ નથી કરતા પણ પ્રેમપૂર્વક ફૂલહાર પહેરાવી દિલથી આવકાર પણ આપે છે.
આ સાંભળીને જાવેદ અખ્તર તરત સમજી ગયા હતા કે આ તો ભારત ઉપર દોષારોપણ થઇ રહ્યું છે. એટલે તરત જ કહ્યું હતું કે ફિઝા મેં જો ગરમાહટ હૈ વો કમ હોની ચાહિએ... અમે મુંબઇના રહેવાસી છીએ, અમે નજરે જોયું છે કે મુંબઇ પર કેવો ખોફનાક હુમલો થયો હતો. આ હુમલો કરવાવાળા કાંઇ નોર્વે કે ઇજિપ્તથી તો નહોતા જ આવ્યાને? એટલે તમારા વિરુદ્ધ ભારતીયોના દિલમાં કોઇ ફરિયાદ હોય તો તમારે ખરાબ ન લગાડવું જોઇએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી ખાઇ અંગે જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે ભારત - પાક. વચ્ચે સાંસ્કૃતિક સામ્યતા છે એ વિશે જાણકારીનો અભાવ છે. ભારતે પાકિસ્તાનના મહાન કલાકારો, મહેંદી હસન, ગુલામ અલી, નુસરત ફતેહ અલી ખાનને માનભેર વધાવ્યા છે, પરંતુ પાકિસ્તાન ક્યારેય લતા મંગેશકરનો કાર્યક્રમ ગોઠવી ના શક્યું.
 ઘર મેં ઘૂસ કે મારાઃ કંગના
પાકિસ્તાનના લોકોને તેની જ ધરતી પર ફટકાર લગાવવા બદલ અભિનેત્રી કંગના રનૌતે જાવેદ અખ્તરને બિરદાવ્યા હતા. તેણે કહ્યું હતું કે ‘વાહ... ઘર મેં ઘૂસકર મારા...’ આમ તો કંગના અને જાવેદ અખ્તર વચ્ચે અણબનાવને લીધે કોર્ટમાં કેસ ચાલે છે. જાવેદ અખ્તરે અદાલતમાં કંગના સામે બદનક્ષીનો દાવો માંડ્યો છે. છતાં જાવેદ અખ્તરે લાહોર શહેરમાં જઈને જરાય શબ્દ ચોર્યા વગર પાકિસ્તાનને બરાબરનું સંભળાવી દેતાં કંગનાએ ટ્વિટર પર તેમને બિરદાવતો મેસેજ મૂક્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter