આશિષ વિદ્યાર્થીએ સાઉથ અને બોલિવૂડ ફિલ્મોથી માંડીને નાટકો અને વેબ સિરીઝમાં પણ નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. દરેક કેરેક્ટરને ખૂબ સારી રીતે ભજવનારા આશિષ વિદ્યાર્થીએ 62 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યાં છે. સામાન્ય રીતે આ ઉંમર નિવૃત્તિની વય કહેવાય છે, જ્યારે આશિષે આ તબક્કે બીજી ઈનિંગની શરૂઆત કરી છે. તેમણે 50 વર્ષનાં રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યા છે.
આશિષ વિદ્યાર્થીએ ‘સોલ્જર’, ‘કહો ના પ્યાર હૈ’, ‘ઝિદ્દી’ ઉપરાંત સાઉથની અનેક ફિલ્મોમાં મહત્ત્વના રોલ કર્યા છે. તાજેતરમાં આવેલી વેબ સિરીઝ ‘પીચર્સ’, ‘ટ્રાયલ બાય ફાયર’ અને ‘રાણા નાયડુ’માં પણ આશિષના અભિનયનાં વખાણ થયા છે. એક્ટિંગની સાથે પાછલા કેટલાક સમયથી તેઓ મોટિવેશનલ સ્પીકર તરીકેની પણ આગવી ઓળખ પણ ઊભી કરી છે. અન્ય લોકોને મોટિવેટ કરનારા આશિષના જીવનમાં પણ મોટિવેટરનું આગમન થયું છે. કોલકાતા ખાતે ફેશન સ્ટોર ધરાવતા 50 વર્ષનાં રૂપાલી બરુઆ સાથે આશિષે લગ્ન કર્યા છે. મૂળે ગુવાહાટીના રૂપાલી સાથે આશિષના આ બીજા લગ્ન છે. અગાઉ તેમણે એક્ટર શકુંતલા બરુઆનાં દીકરી રાજોશી બરુઆ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. આશિષ અને રુપાલીએ કોલકાતા ખાતે સાદગીથી રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ પ્રસંગે નજીકના મિત્રો અને પરિવારજનો હાજર હતા. આશિષે લગ્ન માટે ટ્રેડિશનલ કુર્તો પહેર્યો હતો, જ્યારે રૂપાલીએ ગોલ્ડન બોર્ડરની આસામી સાડી પસંદ કરી હતી. આશિષે આ અંગે જણાવ્યું હતું કે, જીવનના આ તબક્કામાં રૂપાલી સાથેના લગ્ન એ અસાધારણ અનુભૂતિ છે. સવારે કોર્ટ મેરેજ કર્યા હતા અને સાંજે ગેટ ટુ ગેધર રખાયુ હતું.
રૂપાલી સાથેની મુલાકાત સાથે મુલાકાત કઈ રીતે થઈ તે અંગે આશિષે સ્પષ્ટ જવાબ આપવાના બદલે જણાવ્યું હતું કે, આ લાંબી સ્ટોરી છે. ફરી ક્યારેક ફુરસદે વાત કરીશું. રૂપાલીએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં તેમની મુલાકાત થઈ હતી અને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આશિષની ખૂબી અંગે રૂપાલીએ કહ્યું હતું કે, તેઓ ખૂબ સુંદર વ્યક્તિ છે અને ઉમદા હૃદયના છે.