ધર્મેન્દ્રની ચિર વિદાયના ત્રણ દિવસ પછી તેમના પત્ની હેમા માલિનીએ પ્રથમ લાગણીશીલ પોસ્ટ શેર કરી છે. હેમાએ લખ્યું છે કે ‘ધર્મેન્દ્ર એક ઉમદા પિતા અને પતિ હતા, તમામ સંબંધોને સાથે લઈને ચાલનારા વ્યકિત હતા. એક પબ્લિક ફીગરના રૂપમાં ધર્મેન્દ્રએ મેળવેલી સિદ્ધિને યાદ કરતાં ધર્મેન્દ્ર અનોખા આઇકોન હોવાનું જણાવ્યું. તેમણે લખ્યું છે કે ધર્મેન્દ્રના જવાથી જે સ્થાન ખાલી થયું છે તે કદી ભરી શકાય તેમ નથી. હવે તે ધર્મેન્દ્રની અગણિત યાદોંના સહારે જીવશે.
હેમાએ લખ્યું કે, ‘તેઓ મારા માટે ઘણુંબધું હતા. પ્રેમાળ પતિ, પુત્રીઓ એશા અને આહનાના પ્રેમાળ પિતા, ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ, અને શાયર... સાચું કહું તો તેઓ મારા માટે સર્વસ્વ હતા. સારાનરસા સમયમાં હંમેશા સાથ નિભાવ્યો હતો. પોતાના સહજ અને મિલનસાર સ્વભાવને કારણે મારા પરિવારના સભ્યોને પોતાના બનાવી લીધા હતા. તેઓ તે બધા માટે સ્નેહ અને રુચિ દર્શાવતા રહ્યા હતા.’
ધર્મેન્દ્રના જાહેર જીવન વિશે લખ્યું કે, ‘તેમની વિનમ્રતા અને યુનિવર્સલ અપીલે તેમને તમામ દિગ્ગજો વચ્ચે તેમને અલગ આઇકોનના રૂપમાં સ્થાપિત કર્યા.’
હેમાએ લખ્યું કે, ‘મારું જે અંગત નુકસાન થયું છે, તેને વર્ણવવું મુશ્કેલ છે. જે સ્થાન ખાલી થયું છે તેને જીવનભર ભરી નહીં શકું. આટલા વર્ષોના સાથ પછી મારી પાસે તે ખાસ પળોને ફરી જીવવા માટે અસંખ્ય યાદો જ બચેલી છે.’


