ચા૨ દાયકા કરતા વધુ સમયથી મનોરંજન જગતમાં સક્રિય પીઢ અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાની લાંબી કારકિર્દીમાં બોલિવૂડ, ટીવી અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં અનેક પેઢીનાં કલાકારો સાથે કામ કર્યું છે. જોકે, 67 વર્ષનાં નીના ગુપ્તાનું કહેવું છે કે તેમને પોતાનાં કરતાં નાની ઉંમરના કલાકારો સાથે કામ કરવું વધુ પસંદ છે. તેમનાં મતે, તેમની પેઢીના કલાકારોમાં ‘ઈગો અને અસુરક્ષા’ વધુ જોવા મળે છે.
વીતેલા સપ્તાહે ઓટીટી પર રજૂ થયેલી વેબસિરીઝ ‘ચુંબક’ના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યુમાં નીના ગુપ્તાને પૂછાયું હતું કે ચારથી પાંચ પેઢીના કલાકારો સાથે કામ કર્યા બાદ કઈ પેઢી સાથે કામ કરવું તેમને સૌથી વધુ મુશ્કેલ લાગે છે. પોતાના આખાબોલા સ્વભાવ માટે જાણીતાં નીનાએ તરત કહ્યું હતુંઃ ‘જુની પેઢી!’ નીનાએ કહ્યું કે યુવા પેઢીના કલાકારો સાથે તેઓ ખુબ સારી રીતે હળીભળી જાય છે. તેમણે કહ્યું, ‘મારે આ યુવા પેઢી સાથે ખુબ સારું બને છે. એવું લાગતું જ નથી કે હું તેમનાથી બહુ વધારે મોટી છું. પરંતુ જ્યારે હું મારી પેઢીના કલાકારો સાથે કામ કરું છું ત્યારે ઘણી તકલીફ થાય છે.’ તેમણે પોતાની પેઢીનાં કલાકારોમાં રહેલી અસુરક્ષાનો ઉલ્લેખ કરતાં શૂટિંગ દરમિયાન બનેલો એક પ્રસંગ પણ યાદ કર્યો. નીનાએ જણાવ્યું કે એક વખત એક અભિનેતા તેમની પાછળ ઊભા હતા અને તેમને લાગ્યું કે તે કેમેરાની ફ્રેમમાં દેખાતા નથી. તેમણે તરત મને પાછળ ખેંચી લીધી ને મારી જગ્યા લઈ લીધી. આવું જ છે. તેમનામાં ઈગોની સમસ્યા અને અસુરક્ષા હોય છે.’ ઉલ્લેખનીય છે કે ‘ચુંબક’માં નીના ગુપ્તા સાથે કામ કરનારાં મોટાભાગનાં કલાકારો તેમનાથી 20 વર્ષ કરતાં પણ વધુ નાની ઉંમરના છે. જેમાં દેવેન ભોજાણી, સંદીપા ધર, સુમીત વ્યાસ, માનસી જોશી, અમાયરા દસ્તુર, સુમીત રાઘવન, હેલી શાહ, અર્જુન બિજલાણી અને ડેલનાઝ ઈરાની સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. યુવા કલાકારો સાથેનાં પોતાનાં અનુભવ અંગે તેમણે કહ્યું, ‘હું તેમને કંઈ પણ કહી શકું છું અને તેમને ખરાબ નથી લાગતું. તેથી મને હંમેશાં યુવા કલાકારો સાથે કામ કરવાનું વધુ ગમે છે.’


