જેકલીન આખરે ઈડી સમક્ષ હાજર થઈ

Saturday 30th October 2021 06:03 EDT
 
 

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસ મની લોન્ડરરીંગ કેસની તપાસ સંદર્ભે આખરે ૨૦ ઓક્ટોબરે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) સમક્ષ હાજર થઈ છે. અગાઉ તે શૂટિંગમાં વ્યસ્તતાના કારણોસર બે વખત સમન્સ મળવા છતાં હાજર થઇ શકી નહોતી. કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરે આચરેલી રૂ. ૨૦૦ કરોડની ગેરરીતિની તપાસ દરમિયાન જેકલીનનું નામ બહાર આવતાં ઇડીએ તેને પૂછપરછ માટે બોલાવી હતી. જેકલીને આ અગાઉ ત્રણ વાર ઈડીના સમન્સની અવગણના કરીને તેની સમક્ષ હાજર થવાની દરકાર નહોતી કરી. જોકે જેકલીન ગયા ઓગસ્ટમાં ઈડી સમક્ષ એક વાર હાજર થઈ હતી અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ (પીએમએલએ) હેઠળ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. મનાય છે છે કે ઈડી મુખ્ય આરોપી ચંદ્રશેખર અને તેની આરોપી એકટર પત્ની લીના મારિયા પોલની સામે જેકલીનનું નિવેદન ફરી નોંધવા માગતી હતી. ઇડી જેકલીનની પૂછપરછ કરીને તેના કેટલાક આર્થિક વ્યવહારોનું પગેરું મેળવવા માગતી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એકટર-ડાન્સર નોરા ફતેહીએ પણ આ કેસ સંદર્ભે ઇડી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. નોરાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે તે આ કેસમાં પીડિત છે અને એક સાક્ષી તરીકે તે તપાસ એજન્સીને સહયોગ આપે છે.

ચંદ્રશેખર અને તેની પત્ની લીના હાલ ઈડીની અટકાયતમાં છે. આ આરોપી દંપતીએ ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર સિંઘની પત્ની અદિતિ સિંઘ જેવી અનેક હાઈ પ્રોફાઈલ લોકો સાથે છેતરપિંડી કરી છે. ગયા ઓગસ્ટમાં ઈડીએ ચંદ્રશેખરને દરોડા પાડીને ચેન્નઈમાં એક સી-ફેસીંગ બંગલો, રૂા. ૮૨.૫ લાખની રોકડ તેમજ એક ડઝન લકઝરી ગાડીઓ જપ્ત કરી છે. ઈડીનો દાવો છે કે ચંદ્રશેખર ચાલાક ઠગ છે અને લગભગ રૂ. ૨૦૦ કરોડની છેતરપિંડી, ષડયંત્ર અને વસૂલી કેસ સંબંધે તેની તપાસ ચાલે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter