જેક્લિન કાનૂની સકંજામાં

Wednesday 08th December 2021 09:17 EST
 
 

રૂ. ૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસના આરોપી સુકેશ ચંદ્રશેખર સાથેના કનેક્શન બાબતે તપાસનો સામનો કરી રહેલી અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિસની મુશ્કેલી વધી છે. સોમવારે જેકલીન દુબઇ જવા એરપોર્ટ પહોંચી તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ તેને વિદેશ પ્રવાસે જતાં અટકાવી છે. ઇડી છેલ્લા ઘણા સમયથી જેક્લિન અને મની લોન્ડરિંગ કેસના મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખરના સંબંધો અંગે તપાસ ચલાવી રહી છે. ઇડીએ તાજેતરમાં ૨૦૦ કરોડ રૂપિયાના આ કેસમાં આશરે ૭ હજાર પાનાનું આરોપનામું દાખલ કર્યું છે. જેમાં સુકેશ ચંદ્રશેખર, તેની એકટર પત્ની લીના મારિયા પોલ તેમજ અન્ય છ જણ સામે ચોંકાવનારા આરોપ મૂકાયા છે. 
રિપોર્ટ અનુસાર, ચંદ્રશેખરે જેક્લિન સાથેના પ્રેમસંબંધ દરમિયાન તેને જુદા જુદા સમયે કુલ રૂ. ૧૦ કરોડની ગિફ્ટ આપી છે. આ ગિફ્ટમાં રૂ. ૫૨ લાખનો ઘોડો અને રૂ. ૯ લાખની પર્શિયન બિલાડીનો સમાવેશ થાય છે. જેલમાંથી ખંડણીનું રેકેટ ચલાવતા સુકેશે આ ઉપરાંત અભિનેત્રી નોરા ફતેહીને એક વૈભવી કાર અને મોંઘો મોબાઇલ ફોન આપ્યાનું પણ કહેવાય છે. ઇડીએ દિલ્હી કોર્ટમાં રજૂ કરેલા આરોપનામામાં જણાવ્યું છે કે સુકેશે તિહાર જેલમાં બંધ હતો એ દરમ્યાન એક ઉદ્યોગપતિની પત્ની પાસેથી
રૂ. ૨૦૦ કરોડની ખંડણી પડાવી હતી. ચાર્જશીટમાં જેક્લિન અને નોરા બન્નેના નામનો ઉલ્લેખ છે. સુકેશ અને જેક્લિન વચ્ચે ગયા જાન્યુઆરીમાં વાતચીત શરૂ થઇ હતી. ત્યાર બાદ સુકેશે જેક્લિનને મોંઘી ગીફ્ટ મોકલવાનું શરૂ કર્યું હતું.
સુરેશ જેલમાં કેદ હતો ત્યારે પણ જેક્લિન સાથે તેની વાતચીત થતી રહેતી હતી. જામીન મળ્યા બાદ સુકેશે જેક્લિન માટે મુંબઇથી દિલ્હી અને દિલ્હીથી ચેન્નાઇ માટે ચાર્ટર્ડ ફલાઇટ પણ બુક કરી હતી. બન્ને ચેન્નઇની એક હોટેલમાં પણ રોકાયા હતા. કહેવાય છે કે ચાર્ટર્ડ ફલાઇટ પર આઠ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. જેક્લિન જોકે સુકેશ સાથેના સંબંધોને નકારે છે, પણ તાજેતરમાં જ સુકેશે જેક્લિન સાથે લીધેલી એક સેલ્ફી અખબારોમાં પ્રકાશિત થઇ છે, જે ચર્ચાસ્પદ બની છે. સુકેશ સામે દેશભરમાં ઘણા કેસ ચાલે છે. સુકેશ સામે આરોપ છે કે તેણે ગૃહ મંત્રાલયના એક અધિકારી બનીને ઉદ્યોગપતિની પત્નીને છેતરી હતી અને તેની પાસેથી ખંડણી પડાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter