જેઠાલાલને નવી દયા મળી ગઇ?

Saturday 12th April 2025 08:28 EDT
 
 

ટેલિવિઝનના ઇતિહાસની સૌથી વધુ લાંબી ચાલનારી લોકપ્રિય કોમેડી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સાત વર્ષે ‘દયાબહેન’ની ફરી એન્ટ્રી થશે એવી ચર્ચા છે. તારક મહેતા શોમાં ‘જેઠાલાલ’ અને ‘દયાબહેન’નાં પાત્રો સૌથી લોકપ્રિય પાત્રોમાંના બે છે, તેમાં ‘દયાબહેન’નું પાત્ર ભજવતાં દિશા વાકાણી સાત વર્ષથી શોમાંથી બહાર છે અને ગડા પરિવાર સાથે શોના દર્શકો પણ ‘દયાબહેન’ના પુનરાગમનની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હવે બધાની આતુરતાનો અંત આવે તેવી શક્યતા છે.

છેલ્લાં થોડાં દિવસથી ચર્ચા છે કે સિરિયલના પ્રોડ્યુસરને નવા ‘દયાબહેન’ મળી ગયાં છે અને તેમણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. કેટલાંક અહેવાલો એવા પણ છે કે આ પાત્ર હવે કોણ ભજવશે તેનું નામ પણ નક્કી થઈ ગયું છે, પણ હજુ સુધી શોના પ્રોડ્યુસર કે શોની ટીમ દ્વારા કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી. એવી ચર્ચા છે કે ટેલિવિઝનની અનુભવી એક્ટ્રેસ કાજલ પિસલ ‘દયાબહેન’નું પાત્ર ભજવશે. પ્રોડ્યુસર આસિત મોદી છેલ્લા ઘણા વર્ષથી આ પાત્ર માટે કોઈ કલાકારની શોધમાં હતા. તેમણે ‘દયાબહેન’નું પાત્ર કરતાં દિશા વાકાણીને પાછા લાવવાના ઘણા પ્રયત્નો કર્યા, તે અંતે પાછા ન આવતા તેમણે નવા કલાકારની શોધ આદરી હતી.

હવે એવી પણ ચર્ચા છે કે કાજલ પિસલે ડમી એપિસોડ માટે શૂટ શરૂ પણ કરી દીધું છે. ત્યારે હવે ઘર ઘરમાં ‘દયા’ તરીકે જામી ગયેલાં દિશા વાકાણીનું સ્થાન કાજલ પિસલ કઈ રીતે લઈ શકશે અને આ પાત્રને કેટલાં અંશે ન્યાય આપી શકશે તે જોવાનું રહ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter