ટાઇગર પહેલા શૂટર્સના નિશાને હતા આમિર, અમિતાભ, અક્ષય

Wednesday 28th October 2026 04:53 EDT
 
 

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ પર ગોળી ચલાવનારા શૂટર્સ મુંબઈમાં આનાથી પણ મોટો કાંડ કરવા પહોંચ્યા હતા. મુંબઈ પોલીસની પૂછપરછમાં આરોપી ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે. હુમલાખોરોના જણાવ્યા પ્રમાણે તેમના નિશાન પર મહાનાયક અમિતાભ બચ્ચન, આમિર ખાન, અક્ષય કુમાર અને સલમાન ખાન સહિત જૂહુના મોટા સ્ટાર્સ હતા. ત્રણેય હુમલાખોર (રિહાન, રિતિક અને ફૂલ સિંહ)એ આ અભિનેતાઓના ઘરોની રેકી પણ કરી હતી, પરંતુ ત્યાં કડક સુરક્ષા જોઈ હતી. વળી, આમિર ખાન સલામતી બંદોબસ્ત ચુસ્ત હોવા ઉપરાંત તેની અવરજવર પણ અનિયમિત હોવાથી તેના પર નજર રાખવાનું મુશ્કેલ થઇ ગયું હતું.
આ બધું જોયા પછી તેમણે પ્લાન બદલી નાખ્યો હતો અને ઓછી સુરક્ષાવાળા ચર્ચિત સ્ટારની શોધ શરૂ કરી હતી. આમ તેમણે ટાઇગરને ટાર્ગેટ તરીકે પસંદ કર્યો, કારણ કે તે દર રવિવારે સાંજે પુષ્પા પાર્કમાં ફૂટબોલ રમવા આવે છે. તેની સાથે માત્ર ડ્રાઈવર જ રહે છે. 7 દિવસની રેકી કર્યા પછી, ગત રવિવારે આરોપીઓ ત્યાં પહોંચી ગયા અને ટાઇગરની કાર પર ફાયરિંગ કરી દીધું હતું. તેજસ્વિની ગૌતમે જણાવ્યું કે આરોપીઓએ ઘણી ચોંકાવનારી માહિતી આપી છે. આ બાબત મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને જણાવી દેવાઈ છે. હવે તેઓ જ આગળની તપાસ કરશે.
સલમાનના ઘરે કમાન્ડો તૈનાત, અક્ષયના ઘરે બુલેટપ્રૂફ કાચ
મુંબઈ પોલીસે હવે આ ફિલ્મ કલાકારોની સુરક્ષા વધારી દીધી છે. સલમાન ખાનના ઘરની બહાર વિશેષ કમાન્ડો તૈનાત કરાયા છે, જેમને જર્મન બનાવટની અત્યાધુનિક સબમશીન ગન અપાઈ છે. બીજી તરફ, અક્ષય કુમારની સુરક્ષા વધારીને સાવચેતીના ભાગરૂપે તેમના મુંબઈ સ્થિત ઘરની બારીઓ અને બાલ્કનીમાં બુલેટપ્રૂફ ગ્લાસ શીલ્ડ લગાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
મોટા સ્ટાર પર હુમલાનો આદેશ હતો
પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે જ્યારે તેમને એક મહિના પહેલા મુંબઈ મોકલાયા હતા, ત્યારે લોરેન્સ ગેંગના સાગરિત અનિલ પંડિતે કોઈ મોટા બોલિવૂડ સ્ટારને ટાર્ગેટ કરવા માટે કહ્યું હતું. તેઓ આટલા દિવસો સુધી ટાર્ગેટ શોધતા રહ્યા. તેઓ રોજ જૂહુ ચોપાટી આવતા. પહેલા તેમણે અમિતાભ, અક્ષય અને સલમાનને ટાર્ગેટ બનાવવાનું નક્કી કર્યું હતું. વિચાર્યું કે બોસ ખુશ થશે. તેઓ રોજ આ લોકોના ઘરની બહારથી પસાર થતા હતા, પરંતુ ત્યાં કડક સુરક્ષા ઘેરો જોઈ તેમણે આ સ્ટાર્સને ટાર્ગેટ કરવાનો પ્લાન છોડી દીધો હતો.
સેલ્ફીના બહાને નજીક આવવાનું હતું
આરોપીઓએ ગૂગલ પરથી ટાઇગરની વિગતો મેળવી હતી. બાદમાં તેમણે નક્કી કર્યું કે સેલ્ફી લેવાના બહાને તેઓ કાર નજીક પહોંચશે અને ફાયરિંગ શરૂ કરી દેશે, પરંતુ એવું ન થયું. પાર્કની બહાર ભીડ હતી, તેથી આરોપીઓએ સીધો જ ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું હતું.
મુખ્ય શૂટર્સ સહિત 11ની ધરપકડ
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. ફાયરિંગ કરનારા ત્રણેય મુખ્ય શૂટર્સ (ફૂલ સિંહ, રેહાન અને ઋતિક) ઘટના બાદ ટ્રેન મારફતે નેપાળ ભાગવાની ફિરાકમાં હતા પરંતુ રાજસ્થાનની કોટા પોલીસે રેલવે સ્ટેશન પરથી જ ત્રણેયને ઝડપી લીધા હતા. આ સિવાય હુમલાના કાવતરામાં મદદ કરનાર અન્ય 8 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં હથિયાર સપ્લાય કરવામાં સંડોવાયેલી બે યુવતીઓ પણ સામેલ છે. હાલ પોલીસ આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે. લોરેન્સ બિશ્નોઈ માટે કામ કરતા ગેંગસ્ટર અનિલ પંડિતે આશરે એક મહિના પહેલા આ હુમલાનું આયોજન કર્યું હતું.
ગેંગસ્ટર અનિલ પંડિત વોન્ટેડ
અભિનેતા ટાઈગર શ્રોફ પર ગોળીબારની જવાબદારી સ્વીકારનાર ગેંગસ્ટર અનિલ પંડિતને આ કેસમાં વોન્ટેડ આરોપી તરીકે દર્શાવાયો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય પંડિતે સોશિયલ મીડિયા પોસ્ટમાં 18 ઓક્ટોબરના રોજ શ્રોફ પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી હતી. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે શ્રોફ પર ગોળીબાર પંડિતના નિર્દેશ પર કરવામાં આવ્યો હતો અને તેમને આ કેસમાં વોન્ટેડ આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter