મુંબઈઃ જાણીતા ટીવી કલાકાર સમીર શર્માએ તાજેતરમાં આત્મહત્યા કરી લેતાં બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં આપઘાતના સિલસિલાથી ચિંતા ફેલાઈ છે. સમીર શર્મા છેલ્લા ૧૫ વર્ષથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં હતા. ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ તેમજ ‘કહાની ઘર ઘર કી’ જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કરનાર મોડલ સમીર શર્માનો મૃતદેહ તેના ઘરના રસોડામાં પંખા પર લટકતો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે, સમીરે આત્મહત્યા કરી છે. આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમીરના ઘરમાંથી કોઈ સુસાઇડ નોટ ન મળ્યાનું પોલીસે જણાવ્યું હતું અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો હતો. બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં બે મહિનામાં આ ચોથી આત્મહત્યાનો કિસ્સો નોંધાયો હતો. આ અગાઉ સુશાંતસિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાન, તે પછી સુશાંતસિંહ રાજપૂત ત્યારબાદ પ્રેક્ષા મહેતાએ આત્મહત્યા કરી હતી. આ ઉપરાંત બે ટીકટોક સ્ટારે પણ આત્મહત્યાનું પગલું ભર્યું હતું.
મુંબઈના ડેપ્યુટી પોલીસ કમિશનર વિશાલ ઠાકુરે કહ્યું હતું કે, સમીર શર્માનો મૃતદેહ પાંચમી ઓગસ્ટે (બુધવારની મધરાતે) મળ્યો હતો. તેના મૃતદેહને જોતાં એમ લાગે છે કે તેણે બે દિવસ પહેલાં આત્મહત્યા કરી હોવી જોઈએ. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. આથી સુસાઇડનાં કારણોની તપાસ કરાઈ રહી છે. બુધવારે રાત્રે નાઈટ ડયૂટી કરતા ચોકીદારે સમીર શર્માનો મૃતદેહ લટકતો જોયા પછી અન્ય રહીશોને જાણ કરી હતી. ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી દરવાજો તોડીને મૃતદેહ બહાર કઢાયો હતીો. સમીર શર્મા દિલ્હીના રહીશ હતા અને અચલા નામની યુવતી સાથે લગ્ન કર્યાં હતા. બંને ઘણા સમયથી અલગ રહેતા હતા.