મનોજ બાજપાઈએ સાઉથ આફ્રિકામાં 44મા ડર્બન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બે એવોર્ડ જીત્યા છે. મનોજને તેમની ફિલ્મ ‘જોરમ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. આ સાથે ફિલ્મને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ પણ અપાયો છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી માટે પીયૂષ પુતિને આ સન્માન મળ્યું છે. ‘જોરમ’ ફિલ્મના દિગ્દર્શક દેવાશિષ માખીજા છે. આ સાથે જ ફિલ્મ ડર્બન ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની છે. સામાજિક કથાવસ્તુ ધરાવતી આ ફિલ્મમાં આદિવાસી સમુદાયને થતા અન્યાય અને વનનાબૂદીનો મુદ્દો પણ ઉઠાવાયો છે. મનોજ બાજપાઈએ ફિલ્મમાં પોતાની નવજાત દીકરીનો જીવ બચાવવા મથતા પિતાની ભૂમિકા ભજવી છે. ફિલ્મ ‘જોરમ’નું સેટિંગ ઝારખંડમાં સેટ છે. મનોજ બાજપાઈએ પણ સોશિયલ મીડિયા પર ફિલ્મની ટીમને અભિનંદન પાઠવ્યા છે.આ ફિલ્મમાં ઝિશાન અયુબ પણ છે. આ સિવાય ફિલ્મમાં તનિષ્ઠા ચેટરજી અને રાજશ્રી દેશપાંડેની સ્પેશિયલ અપિયરન્સ પણ છે. આ ફિલ્મનું રોટરડેમના 52મા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં પણ સ્ક્રીનિંગ કરાયું હતું.