ડોલીએ અંતિમ શ્વાસ લીધાઃ 24 કલાકમાં બે બહેનોની વિદાય

Thursday 14th March 2024 08:42 EDT
 
 

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી ડોલી સોહીનું આઠમી માર્ચે સવારે 48 વર્ષની વયે નિધન થયું હતું. ‘ઝનક’ ફેમ અભિનેત્રીને ગત નવેમ્બરમાં સર્વાઈલ કેન્સર હોવાનું નિદાન થયું હતું. ડોલીના અવસાનના થોડાં કલાકો અગાઉ તેની બહેન અમનદીપનું કમળાની બીમારીને કારણે અવસાન થયું હતું. ગણતરીના કલાકોમાં બે દીકરીઓ ગુમાવતા સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ડોલીના ભાઈ મનુ સોહીએ જણાવ્યું કે, એક જ દિવસમાં બંને બહેનોએ કાયમ માટે દુનિયાને અલવિદા કરી દીધી છે. ગયા સપ્તાહે જ તેની બીમારીને કારણે ‘ઝનક’ના શૂટિંગમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. ‘ભાભી’, ‘કલશ’, ‘મેરી આશિકી તુમ સે હી’ તથા ‘ખૂબ લડી મર્દાની, ઝાંસી કી રાની’ જેવી સુપરહિટ સીરિયલ્સથી ટીવીના પડદે આગવું સ્થાન હાંસલ કરનાર ડોલીની અણધારી વિદાયથી તેના લાખો ફેન્સમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. ડોલીને શ્વાસ લેવામાં તકલીફ થવાથી થોડાં દિવસ અગાઉ જ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. કેન્સરની સારવાર દરમિયાન કીમોથેરપી લેવાને કારણે તે વધુ સમય શૂટિંગ કરવા સક્ષમ નહોતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter