‘પરિંદા’, ‘ક્રાંતિવીર’, ‘તિરંગા’થી લઇને ‘વેલકમ’ જેવી ફિલ્મોમાં વૈવિધ્યપૂર્ણ અને અવિસ્મરણીય અભિનય કરનાર નટસમ્રાટ નાના પાટેકરે 75 વર્ષે દુનિયાના રંગમંચથી ચીરવિદાય લઇ લીધી છે. ગયા ગુરુવારે ગોવા સ્થિત નિવાસસ્થાને હતા ત્યારે આવેલો હૃદયરોગનો તીવ્ર હુમલો જીવલેણ સાબિત થયો હતો. ફિલ્મો અને નાટકો ઉપરાંત તેમના સામાજિક સેવાકાર્યો માટે પણ જાણીતા નાના પત્ની નીલકાંતિ અને પુત્ર મલ્હારને વિલાપ કરતાં છોડી ગયા છે. આગવી અભિનય શૈલીથી દર્શકોના દિલમાં વિશિષ્ટ સ્થાન જમાવનારા નાનાને ત્રણ નેશનલ એવોર્ડ ઉપરાંત ફિલ્મફેર એવોર્ડ અને કળાના ક્ષેત્રે વિશિષ્ટ સેવા બદલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ ‘નાનાચી વાડી’ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા.
નાના પાટેકરનું જીવન માત્ર એક અભિનેતાની કારકિર્દીની કહાની નથી. થિયેટરમાંથી ફિલ્મો સુધી પહોંચેલા નાનાએ પાંચ દાયકાની સફરમાં હીરો, વિલન, ચરિત્ર અભિનેતા અને કોમેડિયન - એમ તમામ ભૂમિકાઓની પોતાની રીતે નવી વ્યાખ્યા આપી છે. સેના પ્રત્યેનો પ્રેમ માત્ર નિવેદનોમાં નહીં પણ મોરચે લડવા સુધી નિભાવ્યો. રાઇફલ શૂટિંગનો શોખ અને સામાજિક સેવા માટે પ્રતિબદ્ધતા અને પોતાની વાત સ્પષ્ટ કહી દેવાની ટેવ તેમના વ્યક્તિત્વનાં અનોખાં પાસાં હતાં.
વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના પાટેકરના નિધન અંગે દુ:ખ વ્યક્ત કરતાં એક્સ પર પોસ્ટ મૂકી હતી. જેમાં જણાવ્યું હતું કે નાનાની વિદાયથી એક ઊંડો ખાલીપો સર્જાયો છે. તેમના પરિવારને હું સાંત્વના પાઠવું છું. થોડા જ એવા કલાકારો રહ્યા છે જેમની અંદર નાના પાટેકરજી જેવી આગવી ઓળખ અને અવિસ્મરણીય વ્યક્તિત્વની છાપ જોવા મળે. તેમણે દરેક ભૂમિકામાં અદભુત વૈવિધ્ય અને સર્જનાત્મકતા પ્રદર્શિત કરી હતી અને એવા પાત્રો જીવંત કર્યા હતા, જે પેઢીઓ સુધી યાદ રહેશે. તેઓ પોતાના સ્પષ્ટવક્તા અને નિખાલસ વિચારો માટે પણ એટલા જ લોકપ્રિય હતા. તેઓ જે માનતા હતા તેને વ્યક્ત કરવામાં ક્યારેય સંકોચ અનુભવતા નહોતા.
થિયેટરથી ફિલ્મી સફર
1951માં જન્મેલા વિશ્વનાથ પાટેકર બાદમાં ‘નાના પાટેકર’ તરીકે જાણીતા બન્યા, ફિલ્મોમાં આવતાં પહેલાં મરાઠી થિયેટર સાથે જોડાયેલા હતા. 1976માં ‘ગમન’ માટે કલાકારો શોધતા દિગ્દર્શક મુઝફ્ફર અલીએ 25 વર્ષના નાનાને સ્ટેજ પર જોયા હતા. તેઓ યાદ કરે છે, ‘એ કલાકાર તલવારની ધાર જેવો હતો, તેજ, ચોક્કસ અને ઘાતક, એનાં શબ્દોમાં પણ અને તેની બોડી લેગ્વેજમાં પણ. એનું ઘડતર જ બોલિવૂડ માટે થયું હતું.’ 1978માં ‘ગમન’થી ફિલ્મી સફરની શરૂઆત થઈ. કોઈ ભવ્ય લોન્ચ કે સ્ટાર ઇમેજ વિના તેમણે ધીમે-ધીમે પોતાની જગ્યા બનાવી.
‘અંકુશ’થી અલગ ઓળખ
‘આજ કી આવાઝ’ બાદ 1986ની ‘અંકુશ’એ નાનાને વિશિષ્ટ અભિનેતા તરીકે સ્થાપિત કર્યા. ધાણીફૂટ સંવાદો, ધારદાર નજર અને પાત્રની અંદરની ઉથલપાથલ વ્યક્ત કરવાની તેમની રીત અલગ હતી. ‘સલામ બોમ્બે!’એ તેમની પ્રતિષ્ઠા વધારી અને 1989ની ‘પરિંદા’માં ગેંગસ્ટર અન્નાની ભૂમિકા માટે તેમને પહેલો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો.
‘પ્રહાર’ અને ભારતીય સેના સાથે જોડાણ
નાનાનો સેનાપ્રેમ ‘પ્રહાર’ના સમયમાં વધુ ઊંડો બન્યો. ફિલ્મ માટે તેમણે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે લગભગ ત્રણ વર્ષ તાલીમ લીધી અને સૈનિકો વચ્ચે સમય વિતાવ્યો. આ જ અનુભવ આગળ જઈને તેમનાં જીવનની સૌથી અસાધારણ ઘટનાઓમાં ફેરવાયો.
‘હીરો’ની પરંપરા બદલાઈ
‘તિરંગા’ અને ‘ક્રાંતિવીર’એ નાનાને માત્ર કેરેક્ટર એક્ટરના બીબાંમાંથી બહાર કાઢ્યા. ‘ક્રાંતિવીર’ માટે તેમને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો, જ્યારે ‘અગ્નિસાક્ષી’ માટે 1997માં બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો. ત્રણ નેશનલ એવોર્ડ જીત્યા છતાં તેમણે પોતાને કોઈ એક પ્રકારની ભૂમિકામાં બંધાવા દીધા નહીં.
‘પરિંદા’ની હોલિવૂડમાં રિમેક
1989માં વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ ‘પરિંદા’એ હિન્દી સિનેમામાં અંડરવર્લ્ડ અને ગેંગસ્ટરની વાસ્તવિક રજૂઆતનો નવો માપદંડ સ્થાપ્યો હતો. અનિલ કપૂર, જેકી શ્રોફ, માધુરી દીક્ષિત અને નાના પાટેકર અભિનિત આ ફિલ્મને બે નેશનલ ફિલ્મ એવોર્ડ અને પાંચ ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. 1998માં તેની તમિલ રિમેક ‘આસાઈ થંબી’ બની હતી. જોકે, 2012માં ફિલ્મની હોલિવૂડ રિમેકની જાહેરાત થઈ હતી. ‘બ્રોકન હોર્સિસ’ નામની આ ફિલ્મમાં વિન્સેન્ટ ડી’ઓનોફ્રિયોએ નાના પાટેકરની અન્ના જેવી ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ માટે અભિજાત જોશીએ સહલેખન કર્યું હતું.
અંતિમ દિવસો અને વારસો
4 ઓક્ટોબરે ગોવામાં પોતાનાં અંતિમ જાહેર કાર્યક્રમમાં નાનાએ કહ્યું હતું, ‘બધાને એક દિવસ જવાનું જ છે. મને ખબર નથી મારો સમય ક્યારે આવી જાય...’ અને સમાજને કંઈક પરત આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. 8 ઓક્ટોબરની વહેલી સવારે તેઓ અસ્વસ્થ થયા. ડૉ. શેખર સાળકરે જણાવ્યું, “લગભગ રાત્રએ 2.30 વાગ્યે, એમણે એક મિત્રને મેસેજ કર્યો હતો કે તેમની તબિયત બરાબર લાગતી નથી.” ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં લાંબા સમય સુધી CPR છતાં તેમને બચાવી શકાયા નહીં.
નાના પાટેકરનું અંગત જીવન
નાના પાટેકરના પત્નિ નીલકાંતિની સાથે મરાઠી રંગભૂમિ પર મુલાકાત થઈ હતી. તે સમયે નીલકાંતિ બેંક અધિકારી તરીકે કામ કરવાની સાથે અભિનયમાં પણ રસ ધરાવતાં હતાં. બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી અને 1978માં તેમણે લગ્ન કર્યાં. દાંપત્યજીવન દરમિયાન તેમને એક પુત્ર થયો, પરંતુ માત્ર અઢી વર્ષની ઉંમરે તેનું નિધન થયું હતું. બાદમાં તેમનાં બીજા પુત્ર મલ્હારનો જન્મ થયો. સમય જતાં બંને વચ્ચે મતભેદો વધ્યા અને તેઓ અલગ રહેવા લાગ્યા. જોકે લગ્નજીવન યથાવત્ રહ્યું હતું.
મારા માટે 12 મણ સૂકાં લાકડાં રાખ્યાં છે
નાના પાટેકરે કેટલાંક વર્ષો પહેલાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘મારી સંપત્તિરૂપે મેં 12 મણ સૂકાં લાકડાં તૈયાર રાખ્યાં છે. મારા અંતિમ સંસ્કાર વખતે આટલાં લાકડાંની જ જરૂર પડશે. સૂકાં પણ એટલાં માટે કેમ કે લાકડાં ભીનાં હશે તો ધૂમાડો વધારે થશે અને લોકોની આંખમાં અનિચ્છાએ પણ આંસુ આવશે. એ વખતે કોઈનેય એવી ગેરસમજ ન થવી જોઈએ કે આ આંસુ મારા માટે છે.’
અભિનેતા નાનાનો એક અલગ ચહેરો
40ની ઉંમર પછી નાનાએ રાયફલ શૂટિંગ શરૂ કર્યું. 2004માં 300 મીટર બિગ-બોરમાં નેશનલ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યા અને 2007માં મહારાષ્ટ્ર ટીમ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ત્યારે તેમણે આત્મવિશ્વાસપૂર્વક કહ્યું હતું, ‘મને આ નવી રાયફલ લેવા દો, તમને ખાતરી આપું છું કે હું 600માંથી 590 પોઇન્ટ શૂટ કરી લઈશ.’ 2015માં મકરંદ અનાસપુરે સાથે તેમણે ‘નામ ફાઉન્ડેશન’ શરૂ કર્યું, જે ખેડૂતસહાય અને જળસંચય માટે કામ કરે છે. જાહેર મુદ્દાઓ પર પણ તેઓ ખુલ્લેઆમ બોલતા રહ્યા હતા.
કારકિર્દી અટકાવી કારગિલ મોરચે
કારગિલ યુદ્ધ દરમિયાન નાનાએ પોતાની કારકિર્દી થોડા સમય માટે અટકાવીને સૈનિકો સાથે મોરચે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. લશ્કરી અધિકારીઓ પાસેથી મંજૂરી ન મળતાં તેમણે સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝને મળ્યા હતા. પહેલાં તો જ્યોર્જ ફર્નાન્ડિસે પણ ના પાડી, પરંતુ નાનાની ત્રણ વર્ષની સૈન્ય તાલીમ વિશે જાણ્યા બાદ તેમણે મંજૂરી આપી હતી. ઓગસ્ટ 1999માં નાના બે અઠવાડિયાથી વધુ સમય એલઓસી નજીક રહ્યા. તેઓ ક્વિક રીસ્પોન્સ ટીમનો ભાગ બન્યા અને થોડા દિવસ બેઝ હોસ્પિટલમાં પણ સેવા આપી. યુદ્ધનો અનુભવ યાદ કરતાં તેમણે કહ્યું હતું હું શ્રીનગર પહોંચ્યો ત્યારે 76 કિલોનો હતો, પાછો આવ્યો ત્યારે મારું વજન 56 કિલો થઈ ગયું હતું.’


