ત્રણ વર્ષ બાદ પ્રિયંકાનું ભારત આગમન

Thursday 10th November 2022 07:33 EST
 
 

પ્રિયંકા ચોપરા ત્રણ વર્ષ બાદ ભારત પરત ફરી છે અને મુંબઈ એરપોર્ટ પર આગમન સાથે જ તેના ફોટોગ્રાફ્સ વાઈરલ થઇ ગયા છે. જોકે તેની સાથે દીકરી માલતી મેરી જોવા મળી ન હતી. પ્રિયંકા સ્વદેશ આવી રહી હોવાનું ઘણાં સમયથી કહેવાતું હતું. પહેલાં બોલિવૂડ અને પછી હોલિવૂડમાં પણ એક્ટિંગનો જાદુ પાથરનારી પ્રિયંકાએ રિસેન્ટલી ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને જણાવ્યું હતું કે, તે ભારત જવાની છે. પ્રિયંકાની સાથે તેના પતિ નિક જોનાસ અને દીકરી માલતી મેરી પણ આવે તેવી શક્યતા હતી. જોકે પ્રિયંકા એકલી જ ભારત પહોંચી છે. મુંબઈમાં તેને કેઝ્યુઅલ પેન્ટ શર્ટ સાથે સ્પોટ કરાઈ હતી. પ્રિયંકાએ ગ્લેમરસ લૂક અને ડ્રેસના બદલે કોઝી સ્ટાઈલમાં આકર્ષણ જમાવ્યું હતું. પ્રિયંકા ચોપરાને એરપોર્ટ પર જોતાં જ ફેન્સ ઘેરી વળ્યા હતા અને પ્રિયંકાએ સ્માઈલ સાથે તેમનું અભિવાદન કર્યુ હતું.
પ્રિયંકા ચોપરાએ રિસેન્ટલી પોતાની ફેશન બ્રાન્ડ લોન્ચ કરી છે અને અમેરિકામાં તેનું ભરપૂર પ્રમોશન પણ કર્યું હતું. ભારતની તેની આ મુલાકાત બિઝનેસ પ્રમોશન માટે નહીં, પરંતુ શૂટિંગ માટે હોવાનું કહેવાય છે. ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ના શૂટિંગ માટે પ્રિયંકા આવી હોવાનું કહેવાય છે. ફિલ્મમાં પ્રિયંકાની સાથે આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ પણ છે. આલિયા ભટ્ટ પ્રેગનન્સીના કારણે લાંબા વેકેશન પર છે અને કેટરિના કૈફ અન્ય ફિલ્મમાં બિઝી છે. આ સંજોગોમાં પ્રિયંકા એકલી શૂટિંગ કરે છે કે પછી અન્ય કલાકારો પણ જોડાય છે તે જોવાનું રસપ્રદ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter