તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજયે એક્ટિંગમાંથી નિવૃત્તિની ઓફિશિયલી જાહેરાત કરી દીધી છે. 33 વર્ષની કરિઅર પછી ‘જન નાયગન’ તેની અંતિમ ફિલ્મ હશે. આ ફિલ્મ પછી તે રાજકારણમાં પ્રવેશ કરશે.
થલાપતિ વિજયની અંતિમ ફિલ્મ ‘જન નાયગન’નાં ઓડિયો લોંચ માટે શનિવારે મલેશિયામાં એક ખાસ ઇવેન્ટનું આયોજન થયું હતું. જેમાં 51 વર્ષના આ કલાકારે નિવૃત્તિની જાહેરાત કરી. વિજયે 10 વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે ફિલ્મમાં કામ શરૂ કર્યું હતું. 18 વર્ષની ઉંમરે તેણે લીડ એક્ટર તરીકે ‘નાલૈયા થિર્પુ’ ફિલ્મથી 1992માં ડેબ્યુ કર્યું હતું. નિવૃત્તિ અંગે તેણે પોતાના ફોલોઅર્સને કહ્યું, ‘મારા માટે એક જ બાબત મહત્વની છે. મારા માટે લોકો થિએટરમાં આવ્યા અને લાઇનમાં ઉભા રહ્યા. તેથી હવે હું તેમના માટે આવનારા 30-33 વર્ષ સુધી ઉભો રહેવા માગું છું. એ જ ફેન્સ માટે હું સિનેમામાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.’
મલેશિયાની ઇવેન્ટમાં વિવિધ દેશોમાંથી લોકો પહોંચ્યા હતા અને એક તહેવાર જેવો માહોલ બન્યો હતો. આ એક ઐતિહાસિક ઇવેન્ટ હતી, જે કુઆલા લમ્પુરનાં નેશનલ સ્ટેડિયમ બકિટ જલીલમાં યોજાઈ હતી, જેની ક્ષમતા 80 હજાર દર્શકોની છે અને તેમાં 75,000થી વધુ ફેન્સ હાજર રહ્યા હતા. ભારતની બહાર કોઈ તમિલ ફિલ્મ માટે આટલા લોકો હાજર રહ્યા હોય એવું પહેલાં ક્યારેય બન્યું નથી. આ ઇવેન્ટને મલેશિયા બૂક ઓફ રેકોર્ડ્ઝમાં સ્થાન મળ્યું છે. વિજયને આ ઇવેન્ટના સ્ટેજ પર રેકોર્ડનું સર્ટિફિકેટ પણ એનાયત કરાયું હતું. આ ફિલ્મ પોંગલના તહેવાર નિમિત્તે 9 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે, જે પ્રભાસની રાજાસાબ સામે ટક્કર લેશે.


