‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલથી જાણીતી બનેલી દયાભાભી ઉર્ફે અમદાવાદની દિશા વાકાણીએ નવો સંસાર માંડવાનું નક્કી કર્યું છે. આ અંગે ખુદ સિરિયલ નિર્માતા આશિત મોદીએ ઘટસ્ફોટ કર્યો છે. અહેવાલોની વાચ સાચી માનીએ તો આશિત મોદી કહે છે કે, ‘દિશાએ એક છોકરાને પસંદ કર્યો છે પરંતુ તેમના લગ્ન ક્યારે થશે તે હું અત્યારે જણાવી શકું તેમ નથી. મને જ્યારે દિશાના દિલમાં કોઈ વસ્યુ છે તેવા સમાચાર મળ્યા ત્યારે ખૂબ ખુશી થઇ હતી. ઘણા વખતથી તેની લગ્ન કરવાની ઇચ્છા પણ હતી.’
દિશા વાકાણી મુંબઈના ગુજરાતી બિઝનેસમેન મયૂર સાથે લગ્ન કરશે. વૈષ્ણવ જ્ઞાતિના મયૂર અને દિશા એરેન્જ મેરેજ કરી રહ્યાં છે અને આ લગ્ન અંગે બંનેની સહમતી છે. કહેવાય છે કે, મયૂર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને મુંબઈના પવઈમાં રહે છે. જોકે, આ અંગે દિશાના પિતા અને જાણીતા નાટ્યકાર ભીમ વાકાણીએ કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. અગાઉ પણ દિશાએ ઘણા ઇન્ટરવ્યુંમાં પોતાની લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂકી છે અને કહ્યું હતું કે, ‘મને જો અંબાણી જેવો કે બત્રીસ લક્ષણો પુરુષ મળશે તો જરૂર પરણી જઈશ.’ આમ, હવે લાગે છે કે દિશાને તેનો બત્રીસ લક્ષણો પુરુષ મળી ગયો લાગે છે.