દર વર્ષે એક ગુજરાતી ફિલ્મ કરવા માંગુ છું: પરેશ રાવલ

Wednesday 02nd March 2022 06:09 EST
 
 

પરેશ રાવલનું ચાલીસ વર્ષે ગુજરાતી ફિલ્મના પરદે પુનરાગમન થયું છે. 1982માં આવેલી ફિલ્મ નસીબની બલિહારીમાં અભિનય કર્યા પછી પરેશ રાવલ હવે 2022માં ‘ડિયર ફાધર’ ફિલ્મથી પાછા ફર્યા છે. ફિલ્મમાં લીડ એક્ટર પરેશ રાવલ ઉપરાંત માનસી ગોએલ અને ચેતન ધાનાણી મુખ્ય કલાકાર છે. આ ફિલ્મ પરેશ રાવલના નાટક ‘ડિયર ફાધર’નું ફિલ્મ વર્ઝન છે. આ અંગે વાત કરતા પરેશ રાવલે કહ્યું કે, ‘હું ઘણા સમયથી ઇચ્છતો હતો કે આ નાટકની વાર્તા શક્ય તેટલા વધુ લોકો અને સમાજ સુધી પહોંચે અને હું મારી માતૃભાષામાં બનેલી અર્થપૂર્ણ ફિલ્મનો ભાગ બનું.’ ઘણા લાંબા સમય પછી ગુજરાતી ફિલ્મમાં પરત ફર્યા છો તો હવે પછી અન્ય ગુજરાતી ફિલ્મો કરવા અંગે શું વિચાર છે તેના જવાબમાં તેઓએ કહ્યું કે ‘હું 1952થી ગુજરાતી નાટક કરી રહ્યો છું અને હું દિલથી ઇચ્છુ છું કે ગુજરીતામાં સારા કન્ટેન્ટવાળી વાર્તામાં કામ કરું અને હું દર વર્ષે એક ગુજરાતી ફિલ્મ કરવા માંગુ છું.’ માનસી ગોએલ અને ચેતન ધાનાણીએ પણ પત્રકારો સાથેની વાતચીતમાં ફિલ્મના શૂટિંગ દરમિયાનના અનુભવ શેર કર્યા હતા. આ ફિલ્મ એક વૃદ્ધા પિતા અને તેમના પુત્ર-પુત્રવધૂ વચ્ચે રોજિંદા જીવનમાં થતા મતભેદો અને ગેરસમજણોની સ્ટોરી છે ત્યારે તમારા જીવનમાં ‘ડિયર ફાધર’ જેવી મોમેન્ટ આવી કે નહીં તેના જવાબમાં પરેશ રાવલે કહ્યું કે, એક પિતા તરીકે આવા સંજોગો રોજ સર્જાય છે. બાળકો તેમના જીવનમાં વ્યસ્ત અને તેમની મસ્તીમાં મસ્ત છે ત્યારે પેરેન્ટ્સે જ બાળકો સાથે તાલમેલ બેસાડવા વધારે મહેનત કરવાની છે. જોકે આજની પેઢી ખૂબ જ પ્રામાણિક અને બ્લન્ટ છે એટલે તેમને સમજવા સરળ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter