દાદા સાહેબ ફાળકે એવોર્ડ કર્ણાટકને સમર્પિતઃ અનંત નાગ

Sunday 27th September 2026 10:10 EDT
 
 

દિગ્ગજ કન્નડ અભિનેતા અનંત નાગે તેમને મળેલું દાદાસાહેબ ફાળકે એવોર્ડ સન્માન કર્ણાટકના લોકો અને રાજ્યની ફિલ્મ સંસ્કૃતિને સમર્પિત કર્યું છે. તેમના મતે, કર્ણાટકના ફિલ્મકારો, કલાકારો અને ખાસ કરીને દર્શકોના સહયોગના લીધે જ પોતે આર્ટ ફિલ્મોથી લઈને કમર્શિયલ સિનેમા સુધી વિવિધ પ્રકારનું કામ કરી શક્યા. તેમણે કહ્યું કે આ પ્રકારની કારકિર્દી કદાચ અન્ય કોઈ રાજ્યમાં કદાચ શક્ય ન બની હોત. 22 સપ્ટેમ્બર - મંગળવારે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં અને ભારતીય ફિલ્મઉદ્યોગના દિગ્ગજોની ઉપસ્થિતિમાં યોજાયેલા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ અનંત નાગને આ સન્માન એનાયત કર્યું હતું.

ભારતીય ફિલ્મઉદ્યોગનું સર્વોચ્ચ સન્માન મળવા બદલ ખુશી વ્યક્ત કરતા 77 વર્ષીય અનંત નાગે કર્ણાટકના દર્શકોને ‘ખૂબ જ શિક્ષિત અને પારખુ’ ગણાવ્યા. તેમના જણાવ્યા મુજબ રાજ્યના નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા-અભિનેત્રીઓ અને દર્શકોના સાંસ્કૃતિક માહોલે તેમની કારકિર્દીને આકાર આપ્યો. 1948માં ઉત્તર કન્નડ જિલ્લાના શિરાલીમાં જન્મેલા અનંત નાગ 12 વર્ષની ઉંમરે મુંબઈ ગયા હતા. કોલેજના સમયમાં તેમણે બેંકમાં નોકરી પણ કરી હતી. 18 વર્ષની ઉંમરે રંગમંચ સાથે જોડાયા અને લગભગ પાંચ વર્ષ થિયેટરમાં કામ કર્યા બાદ ફિલ્મોમાં પ્રવેશ કર્યો.
1973થી ફિલ્મી કારકિર્દી શરૂ કરનાર અનંત નાગે પાંચ દાયકામાં 200થી વધુ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ કર્ણાટકના દિગ્ગજ કલાકાર દિવંગત અભિનેતા-દિગ્દર્શક શંકર નાગના નાના ભાઈ છે. અનંત નાગને 2025માં પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, જે તેમણે કર્ણાટકના લોકોને સમર્પિત કર્યું હતું. હવે દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ તેઓ રાજ્યને અર્પણ કરે છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ ભારતીય સિનેમાના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવે છે. એવોર્ડમાં સ્વર્ણ કમલ ચંદ્રક, શાલ અને 10 લાખનું રોકડ ઇનામ સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter