દિગ્ગજ કોમેડિયન જગદીપની ફાની દુનિયાને અલવિદા

Wednesday 15th July 2020 06:07 EDT
 
 

‘શોલે’ના સુરમા ભોપાલીના પાત્રથી વિખ્યાત કલાકાર જગદીપનું આઠમી જુલાઈએ અવસાન થયું હતું. જગદીપની અંતિમ વિધિ મુંબઈ નજીકના મઝગાંવ સ્થિત કબ્રસ્તાનમાં કરાઈ હતી. જગદીપના પુત્રો જાવેદ જાફરી અને નાવેદ જાફરી તેમજ અંગત પરિવારજનોએ ભીની આંખે તેમને વિદાય આપી હતી. કોરોના સંકટના કારણે જગદીપની અંતિમવિધિમાં વધુ લોકો હાજર નહોતા, પણ સોશિયલ મીડિયામાં બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનથી લઈને તેમના ચાહકોએ તેમને બહોળી શોકાંજલિ આપી હતી.
જગદીપની અંતિમવિધિમાં તેમના નજીકના પરિજનો ઉપરાંત કોમેડિયન જોની લીવરે હાજરી આપી હતી. ફિલ્મ સર્જક અને જગદીપના પારિવારિક મિત્ર મોહમદ અલીએ તેમના નિધનના સમાચાર આઠમીએ રાત્રે ૮.૩૦ વાગ્યે આપ્યા હતા. જગદીપનું નિધન મુંબઇના બાંદરાના નિવાસસ્થાને થયું હતું. તેઓ વૃદ્ધાવસ્થાને લગતી બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. જગદીપને પ્રખ્યાતિ અને ચાહકો દ્વારા મળતી શોકાંજલિ માટે જાવેદ જાફરીએ જણાવ્યું હતું કે, તેમના પિતાએ બોલિવૂડને ૭૦ વર્ષ આપ્યા અને તેમનો પ્રેમ આજે પ્રતિબિંબિત થઈ રહ્યો છે.
જગદીપનું સાચું નામ સૈયદ ઇશિયાક અહમદ જાફરી હતું, પણ અભિનય ક્ષેત્રે પ્રારંભિક કારકિર્દીમાં જ નાટકોમાં અભિનય વખતથી તે જગદીપ કરીકે જાણીતા થયા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ વિવિધ બીમારીથી પીડાતા હતા. આઠમીએ સાંજે પોણા નવેક વાગ્યે તેમણે પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધાં હતાં.
અમૃતસરમાં જન્મેલા જગદીપજીએ ૧૯૫૧માં કારકિર્દીની શરૂઆત કરી હતી. વિખ્યાત દિગ્દર્શક બિમલ રોયની ફિલ્મ ‘દો બીઘા જમીન’માં તેઓ બાળ કલાકાર તરીકે ચમક્યા હતા. ‘શોલે’ના સૂરમા ભોપાલી પાત્રથી મેળવેલી પ્રખ્યાતિ પછી એમણે ૧૯૯૪માં ‘સૂરમા ભોપાલી’ નામની જ ફિલ્મ બનાવી હતી. જેમાં તેઓ મુખ્ય કલાકાર હતા. પાંચેક ફિલ્મોમાં તેમણે હીરોનો રોલ ભજવ્યો હતો. જગદીપે આશરે ૪૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. ‘શોલે’ ઉપરાંત તેમણે ‘અંદાજ અપના અપના’, ‘બ્રહ્યચારી’, ‘નાગિન’ વગેરે જેવી ઘણી ફિલ્મોમાં ઉમદા અભિનય આપ્યો હતો. છેલ્લે તેઓ ૨૦૧૦માં આવેલી ફિલ્મ ‘ગલી ગલી ચોર હૈ’માં તેઓ દેખાયા હતા. ‘ટ્રક ધીના ધીના’ નામની ટીવી સિરિયલમાં તેમણે ટ્રક ડાઇવરનો રસપ્રદ રોલ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter