દક્ષિણ ભારતીય ફિલ્મ-ઉદ્યોગના સુપરસ્ટાર મોહનલાલની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે, તાજેતરમાં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને હવે તેમને ભારતીય સેનાએ સન્માનિત કર્યા છે. મોહનલાલ ભારતીય સેનાની ટેરીટોરીયલ આર્મીના લેફ્ટન્ટ કર્નલનો હોદ્દો ધરાવે છે અને તાજેતરમાં ભારતીય સેના દ્વારા તેમનું શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે આભાર વ્યક્ત કરતા સોશિયલ મીડિયા એક્સ પર આ સન્માનની તસવીરો શેર કરી છે.
આ ફોટોમાં મોહનલાલ આર્મીના યુનિફોર્મમાં દેખાય છે, આર્મીના ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી તેમને સર્ટીફિકેટ આપે છે. આ પોસ્ટની કેપ્શનમાં મોહનલાલ લખ્યું હતું, ‘આજે મને આર્મી સ્ટાફના ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી દ્વારા આર્મી હેડ ક્વાર્ટર્સ ખાતે આમંત્રણનું સન્માન પ્રાપ્ત થયું હતું, જ્યાં મનેસાત આર્મી કમાન્ડર્સની ઉપસ્થિતિમાં સીઓએએસ કમેન્ડેશન કાર્ડ એનાયત કરવામાં આવ્યું હતું.’
તેમણે વધુમાં જણાવ્યું હતું, ‘માનદ્દ લેફ્ટનન્ટ કર્નલ તરીકે માન્યતા પ્રાપ્ત કરવી એ મારા માટે ગૌરવ અને ઋણાનુવાદની ક્ષણ છે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને સમગ્ર ભારતીય સેનાનો હું દિલથી આભારી છું. મારી ટેરેટોરીયલ આર્મીની માતૃ ટૂકડી આ સન્માન અને સહકાર માટે તેમની આભારી છે. જય હિન્દ.’
જયારે આર્મીના માહિતી અધિકારીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘લેફ્ટનન્ટ કર્નલ (માનદ્) મોહનલાલ ભારતીય સેનાના સૌથી સ્થિર ટેકેદાર રહ્યા છે, જેઓ અનેકવિધ કાર્યો દ્વારા સતત સેના માટે યોગદાન આપીને તેમનું સન્માન કરતા રહ્યા છે. તેમણે યુવાનોને આર્મીની સેવાઓમાં જોડવા માટે પ્રેરિત કર્યા છે અને માનવીય ઓપરેશન્સમાં આર્મીની ભુમિકાનું મહત્વ સમજાવ્યું છે. તેમનું જોડાણ સેનાઓ સાથેનો ઉંડો સંબંધ દર્શાવે છે.’