દિલજિત દોસાંજની કેરિઅરમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે, તેને ‘અમરસિંહ ચમકિલા’ માટે 2025ના ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્ઝ માટે બે કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. આ એક બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ હતી, જે હવે એમી એવોર્ડઝમાં બેસ્ટ ટીવી મુવી-મિનિ સિરીઝ કેટેગરીમાં નોમિનેટ થઈ છે. જ્યારે બીજું નોમિનેશન દિલિજત દોસાંજને પોતાને બેસ્ટ એક્ટર કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. તેની સાથે આ કેટેગરીમાં દિલજિત ઉપરાંત ડેવિડ મિશેલ, ઓરિઓલ પ્લા અને ડિએજીઓ વેસ્ક્વેઝ જેવા કલાકારો પણ નોમિનેટ થયા છે. આ કેટેગરીમાં કોને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળે છે, તેની ઘણી આતુરતા રહે છે. ત્યારે દિલજિતનું નોમિનેશન એ દર્શાવે છે કે પ્રાદેશિક કે સ્થાનિક વાર્તાઓ પણ ગ્લોબલ ઓડિયન્સના મનને સ્પર્શી શકે છે.
ઇન્ટરનેશનલ એમીઝની વેબસાઇટ પર 25 સપ્ટેમ્બરે આ યાદી જાહેર કરવામાં આવી ત્યારે આ સિદ્ધિ અંગે પોતાનો અભિપ્રાય આપતાં મૂળ ગાયક અને ફિલ્મના ડિરેક્ટર ઇમ્તિઆઝ અલીને ફિલ્મી સફળતાની ક્રેડિટ આપી હતી. એક ઇન્ટરવ્યુમાં આ સિદ્ધિ અંગે ઇમ્તિઆઝ અલીએ જણાવ્યું કે, ‘અમરસિંહ ચમકિલા’ બે એવોર્ડ માટે નોમિનેટ થઈ છે, તે સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે આભાર, દિલજિત દોસાંજને બેસ્ટ એક્ટર તરીકે અને બીજો ચમકીલાને બેસ્ટ ફિલ્મ તરીકે. અમને અભિનંદન આપવા માટે અનેક લોકોના ફોન અને મેસેજ આવ્યા છે. અમારા માટે આ બહુ મોટી વાત છે. હું ચમકિલાની સમગ્ર ટીમને અભિનંદન આપવા માગુ છું અને પંજાબના લોકોનો પણ આભાર માનવા માગું છું. આ બિલકુલ તે જમીનની ફિલ્મ છે. હું દિલજિતને ડબલ શુભેચ્છાઓ આપવા માગું છું.’
આ ફિલ્મ એપ્રિલ 2024માં નેટફ્લિક્સમાં રિલીઝ થઈ હતી, ‘અમરસિંહ ચમકિલા’ એક લોકપ્રિય પંજાબી લોક કલાકારના જીવન પર આધારીત ફિલ્મ છે.