પંજાબી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના ગ્લોબલ સ્ટાર દિલજીત દોસાંઝ તેમની ઈન્ટરનેશનલ કોન્સર્ટને કારણે સતત ચર્ચામાં રહે છે. વિશ્વભરમાં ફેન ફોલોઇંગ ધરાવવતો આ કલાકાર વિશ્વમાં જ્યાં પરફોર્મ કરે ત્યાં લાખોની ભીડ એકત્ર થઈ જાય છે. કેનેડામાં વાનકુંવરમાં આયોજીત તેની મ્યૂઝિક કોન્સર્ટ ‘ઔરા-2026’ પણ કાંઈક એવી જ હતી. પ્રશંસકો લાઇવ કોન્સર્ટમાં ઉમટી પડ્યા હતા. જોકે આ કોન્સર્ટમાં દિલજીત દોસાંઝ પરફોર્મ કરતો હતો તે વેળા જ કેટલાક ખાલિસ્તાન સમર્થકો ઝંડા સાથે કોન્સર્ટમાં ઘુસી ગયા હતા અને ભારતવિરોધી તથા ખાલિસ્તાનતરફી સુત્રોચ્ચાર શરૂ કરતાં હોબાળો થઈ ગયો હતો. દર્શકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. ખાલિસ્તાની સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા કે દિલજીત ભાજપ અને આરએસએસના એજન્ટ તરીકે કામ કરે છે.
હંગામાથી થોડો સમય શો અટકી ગયો, તંગદિલીભર્યું વાતાવરણ ઉભું થતાં સિક્યુરીટી ટીમને હસ્તક્ષેપ કરવો પડ્યો. સુરક્ષા કર્મીઓએ દેખાવકારોને રોકવા પ્રયાસ કરતાં તેમની સાથે પણ બોલાચાલી થઇ. જોકે જેમ તેમ કરીને સ્થિતિ કાબૂમાં આવી અને શો આગળ વધ્યો. સુત્રોના જણાવ્યા મુજબ દેખાવો કરનારાઓમાં પવનદીપ સિંહ બસ્સી અને મનદીપસિંહ રવિનો પણ સમાવેશ થતો હતો. તેઓ શીખ ફોર જસ્ટિસ સંગઠનના સભ્યો છે હોવાનું કહેવાય છે. ખાલિસ્તાની સમર્થકોએ ભવિષ્યમાં પણ દિલજીતના શોના વિરોધમાં દેખાવો કરતા રહેશે તેવી ચેતવણી આપી છે.


