હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો રાજ કપૂર અને દિલીપકુમારના પૈતૃક મકાનો આખરે પાકિસ્તાન સરકારે તાજેતરમાં ખરીદી લીધાં છે. પેશાવરના કિસ્સા ખ્વાની બજારમાં આવેલું સુપરસ્ટાર દિલીપકુમારનું અને પેશાવરમાં જ આવેલું રાજકપૂરનું પૈતૃક મકાન એમ બંને મકાનો કુલ રૂ. ૨.૩૫ કરોડમાં ખરીદવા માટે પાકિસ્તાન સરકારે મંજૂરી આપી છે. વર્ષ ૨૦૧૪માં નવાઝ સરકારે આ મકાનોને રાષ્ટ્રીય ધરોહર જાહેર કર્યાં હતાં. વર્ષ ૧૯૪૭માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલાં રાજકપૂર અને દિલીપકુમાર અહીં જ રહેતા હતા.
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના મુખ્ય પ્રધાન મેહમૂદ ખાને અરજીને સ્વીકારીને આ મકાનોને ખરીદવાની મંજૂરી આપી હતી. આ મકાનના ભાવ ખૈબર પખ્તૂનખ્વા કમ્યુનિકેશન અને વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નક્કી કરાયા છે.
ખ્વાની બજારમાં દિલીપકુમારનું ઘર
પેશાવરના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ અલી અસગરે જણાવ્યું કે, દિલીપકુમારના ૪ માળના ૧૦૧ સ્કવેર મીટર ઘરની કિંમત રૂ. ૮૦.૫૬ લાખ આંકી છે. રાજ કપૂરના દાદા દીવાન કપૂરે વર્ષ ૧૯૧૮થી ૧૯૨૨ દરમિયાન બનાવેલા ઘરને ‘કપૂર હવેલી’ તરીકે ઓળખાય છે તે ૬ માળના ૧૫૧.૭૫ સ્કવેર મીટર બિલ્ડીંગની કિંમત રૂ. ૧.૫૦ કરોડ નક્કી થવાની માહિતી છે. સરકારે જણાવ્યું કે આ બંને ઘર પુરાતત્ત્વ વિભાગને સોંપાશે અને પછીથી ત્યાં મ્યુઝિયમ બનશે.
આ ઘર પાકિસ્તાન સરકારે લીધા પછી પુરાતત્ત્વ વિભાગે ખૈબર પખ્તૂનખ્વા સરકારને અપીલ કરી હતી કે, તેઓ તેમને રૂપિયાની ફાળવણી કરે. જેથી ડિપાર્ટમેન્ટ બંને મકાન ખરીદીને એનું સમારકામ કરી શકે. સરકારની યોજના આ બંને મકાનને મ્યુઝિયમમાં ફેરવવાની છે. આ પાછળનો હેતુ એ છે કે દુનિયા અને બોલિવૂડમાં પેશાવરનું શું યોગદાન છે.
મોલ બનાવવાની વિચારણા હતી
બંને કલાકારોનાં ૧૦૦ વર્ષથી પણ જૂના મકાનો જર્જરિત છે. દિલીપકુમારના ઘરની જગ્યાએ મોલ બનાવવા માટેની વાત ચાલતી હતી કારણ કે તે પેશાવરમાં પ્રાઈમ લોકેશન પર છે. જોકે બંને મકાનો ઐતિહાસિક મહત્ત્વની જગ્યાઓ હોવાથી હવે સંરક્ષિત થશે.