દીપિકા-રણવીરના ઘરે સપ્ટેમ્બરમાં પારણું બંધાશે...

Wednesday 06th March 2024 10:21 EST
 
 

લંડનમાં તાજેતરમાં યોજાયેલા BAFTA એવોર્ડ સમારોહમાં દીપિકા પદુકોણ ઘણી વખત સાડી વડે પેટ છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. આ પછી અહેવાલો આવ્યા હતા કે, દીપિકા તેના બેબી બમ્પને છુપાવી રહી છે. આ અફવા વચ્ચે દીપિકા-રણવીરે જાહેરાત કરી છે કે તેઓ તેમને ત્યાં પ્રથમ બાળકના આગમનની અપેક્ષા રાખી રહ્યા છે. દંપતીએ નિયત મહિનો સપ્ટેમ્બર 2024 અને બાળક સંબંધિત ચિહ્નો સાથે એક સરળ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ એવી હતી જેને કેપ્શનની કોઇ જરૂર નહોતી. બે મહિના પહેલાં જ દીપિકા પદુકોણે ‘સિંગાપોર વોગ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં ટૂંક સમયમાં પરિવાર શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેને પૂછાયું હતું કે, ‘શું તે માતા બનવાનું કોઈ પ્લાનિંગ કરે છે?’ જેના જવાબમાં દીપિકાએ કહ્યું હતું કે, ‘હા, હું અને રણવીર બાળકોને પ્રેમ કરીએ છીએ. અમે બંને એ દિવસની રાહ જોઈ રહ્યાં છીએ જ્યારે અમે અમારું ફેમિલી શરૂ કરીએ.’
દીપિકાએ 2018માં રણવીરસિંહ સાથે લગ્ન કર્યા હતાં. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા: રામલીલા’ના સેટ પર થઈ હતી. સાથે કામ કરતી વખતે બંને પ્રેમમાં પડ્યાં અને પાંચ વર્ષના સંબંધ પછી બંનેએ લગ્ન કરી લીધાં. દીપિકા પદુકોણ અને રણવીરસિંહ ‘ગોલિયોં કી રાસલીલા: રામલીલા’ ઉપરાંત ‘પદ્માવત’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘83’માં સાથે જોવા મળ્યાં છે. આ સિવાય દીપિકાએ રણવીરની ફિલ્મ ‘સર્કસ’માં પણ કેમિયો કર્યો છે. હાલમાં જ દીપિકાની ફિલ્મ ‘ફાઇટર’ રિલીઝ થઈ છે, જેમાં તે રિતિક રોશન સાથે જોવા મળી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter