દીપિકા હવે ગ્લોબલ સ્ટાર

Saturday 20th May 2023 06:58 EDT
 
 

બોલિવૂડની ટોચની એક્ટ્રેસ દીપિકા પદુકોણે વધુ એક સિદ્ધિ મેળવી છે. તે વિશ્વના પ્રતિષ્ઠિત ‘ટાઇમ’ મેગેઝિનના કવર પેજ પર ચમકી છે. મેગેઝિનમાં પ્રકાશિત લેખમાં તેને ગ્લોબલ સ્ટાર ગણાવાઈ છે. તેને બોલીવૂડને વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવવાની ક્રેડિટ પણ અપાઈ છે તો વિશ્વના સૌથી વધુ વસતી ધરાવતા દેશની સૌથી લોકપ્રિય સ્ટાર તરીકેની ઓળખ પણ અપાઈ છે. આ સાથે તે બરાક ઓબામા, ઓપરા વિન્ફ્રે સહિતની પ્રભાવશાળી વ્યક્તિઓની હરોળમાં આવી ગઈ છે. અગાઉ તેને સિનેમા જગતમાં પ્રશંસનીય કામગીરી અને માનસિક આરોગ્યની તરફેણ માટે ‘ધ ટાઇમ 100 ઇમ્પેક્ટ એવોર્ડ’થી સન્માનિત કરાઇ હતી. દીપિકાએ આ પ્રસંગે ‘પઠાન’ના ભગવા બિકીની વિવાદથી માંડી જેએનયુ વિવાદ અંગે મૌન તોડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાક વર્ષોમાં દીપિકા સાથે ઘણા વિવાદ જોડાયા છે.
દીપિકાએ ઇન્ટરવ્યુમાં પોતાના માનસિક સ્વાસ્થ્ય ઉપરાંત પતિ રણવીર સિંહ તેમજ અન્ય વિષય પર વાતચીત કરી હતી. તેણે જણાવ્યું હતું કે મારે રાજકીય ટીકાટીપ્પણી વિશે કશું કહેવું જોઈએ કે નહિ તે જાણતી નથી પરંતુ એટલું સાચું છે કે મને તે બધાથી કોઈ ફરક પડતો નથી. દીપિકાએ હોલીવૂડમાં કામ કરવા વિશ જણાવ્યું હતું કે, હોલીવૂડ પહોંચવા માટે મારી પાસે કોઇ ગેમ પ્લાન નહોતો, પરંતુ મારા વિઝન બોર્ડ પર મને હોલીવૂડમાં નિષ્ફળતા જોવા મળી નહોતી.
દીપિકાએ પોતાના ડિપ્રેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો. મારા ડિપ્રેશન વિશે મેં જાહેરમાં જણાવ્યું હતું ત્યારે મને ઘણા લોકોનો સહકાર મળ્યો હતો. અમે કદી જાહેરમાં કે અંગત રીતે મળ્યા નથી, તેમ છતાં આજે પણ તેઓ મારી જીવનયાત્રાની સફરમાં મારી સાથે જ છે. તેઓ મારી બોડી લેન્ગવેજ, મારી ચૂપકીદી અને મારા એક્સપ્રેશનને સારી રીતે સમજી શકે છે. બોલીવૂડના એક ગીત અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મને ઓસ્કર એવોર્ડ મળ્યો છે, તે વિશે દીપિકાએ પોતાનો મત જણાવતા કહ્યું હતું કે, આપણે આટલાથી રાજી ન થઇ જવું જોઇએ. આ તો ઓસ્કામાં આપણા તરફથી એક સારી શરૂઆત થઇ છે.
સુખી લગ્નજીવન માટે દીપિકાની સલાહ
દીપિકા અને રણવીર સિંહની કેમિસ્ટ્રીને બહુ પસંદ કરવામાં આવે છે. ખુશહાલ લગ્નજીવન માટે દીપિકાએ અત્યારની પેઢીને સલાહ આપી હતી કે, લગ્ન એક ખાસ સંબંધ છે અને તેમાં ધૈર્ય જરૂરી છે. તેમણે આ બાબતે જૂની પેઢીના લોકો પાસેથી શીખવું જોઇએ. દીપિકાએ જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે આપણે બધાં ફિલ્મો જોઇને મોટા થઈએ છીએ અને તેનાથી પ્રભાવિત પણ હોઇએ છીએ. જોકે, અત્યારના કપલ્સે એ વાત સ્વીકારવી જોઇએ કે તેમનો સંબંધ અન્ય કરતાં અલગ હશે પણ એટલો જ સુંદર હોઈ શકે છે.’ એક્ટ્રેસે જણાવ્યું હતું કે, ‘હું કોઇ લવ ગુરુની જેમ વાત કરી રહી છું. જોકે, મને લાગે છે કે અત્યારની પેઢીમાં ધીરજનો અભાવ છે. રણવીર અને હું આ બાબતમાં અમારા માતા-પિતા પાસેથી તેમજ અમારા જેવા કપલ્સ તેમની અગાઉની પેઢી પાસેથી ઘણું શીખી શકે છે.’ આ સિવાય પણ સુખી લગ્નજીવન માટે ઘણી બાબતો છે, પણ તેમાં ધીરજ સૌથી પહેલાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter