દીપિકાની વધુ એક વૈશ્વિક સિદ્ધિઃ ઓસ્કરમાં પ્રેઝન્ટર બનશે

Saturday 11th March 2023 08:31 EST
 
 

યુવા દિલોની ધડકન દીપિકા પાદુકોણે ગ્લેમર વર્લ્ડમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તે આગામી ઓસ્કર એવોર્ડ સેરિમનીમાં પ્રેઝન્ટર તરીકે જોવા મળશે. ગયા વર્ષે જ દીપિકાને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આંતરરાષ્ટ્રીય જ્યૂરી મેમ્બર તરીકેનું સન્માન આપવામાં આવ્યું હતું. આ પછી તેની આ બીજી મહત્વની સિદ્ધિ છે. ઓસ્કર પ્રેઝન્ટર તરીકે સમગ્ર વિશ્વનાં ગ્લેમર જગતના માંધાતાઓ, હોલીવૂડના દિગ્ગજો અને વૈશ્વિક મીડિયાનું ધ્યાન તેના પર રહેશે. આ સાથે જ એક ગ્લોબલ સેલિબ્રિટી તરીકે તેનું સ્થાન વધારે મજબૂત બનશે. દીપિકા ડ્વેન જ્હોન્સન, માઈકલ બી જોર્ડન, રીઝ અહેમદ, એમિલી બ્લન્ટ, ગ્લેન ક્લોઝ, ટ્રોય કોટ્સુર, જેનિફર કોનેલી જેવા પ્રેઝન્ટર્સની હરોળમાં ઊભી રહેશે. આગામી 12 માર્ચે લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં ઓસ્કર સેરેમની યોજાવાની છે.
ઓસ્કરમાં ‘નાટુ નાટુ’ ધૂમ મચાવશે
રાજામૌલીની ફિલ્મ ‘RRR’નો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે. માત્ર ‘RRR’ જ નહીં, પરંતુ ‘નાટુ નાટુ' ગીત પણ દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગયું છે. આ ગીતને યૂટ્યૂબ પર 122 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વખતના ઓસ્કાર એવોર્ડ્સમાં પણ બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં આ ગીત નોમિનેટ થઈ ચૂક્યું છે. હવે આખું અમેરિકા ‘નાટુ નાટુ’ પર થિરકે તો નવાઈ નહીં કેમ કે આ ગીતના સિંગર રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવ ઓસ્કાર સેરેમનીમાં આ ગીત લાઈવ પરફોર્મ કરવાના છે. આ ગીતની ટક્કર ‘બેસ્ટ ઓરિજિનલ સોંગ' કેટેગરીમાં રિહાન્ના, લેડી ગાગા, મિલ્સ્કી, ડેવિડ બાયર્ન અને ડિયાન વોરેન સાથે થશે. રિહાન્ના ડોલ્બી થિયેટરમાં તેનું ગીત ‘લિફ્ટ મી અપ’ પણ પરર્ફોર્મ કરશે. ‘નાટુ નાટુ’નું સંગીત એમ. એમ. કિરવાણીએ આપ્યું છે. આ પહેલાં પણ કિરવાણીએ ઘણી હિન્દી અને સાઉથ ફિલ્મોમાં અદ્ભુત સંગીત આપ્યું છે. આ ગીતના ગાયક કાલ ભૈરવ એમ. એમ. કિરવાણીના પુત્ર છે. ‘નાટુ નાટુ' એ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ જીત્યો અને ઓસ્કારમાં
‘બેસ્ટ ઓરિજિનલ સોંગ’ કેટેગરીમાં તે નોમિનેટ થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter