દીપિકાને ગ્લોબલ એચિવર્સ એવોર્ડ સન્માન

Sunday 17th October 2021 07:02 EDT
 
 

દીપિકા પદુકોણની સફળતામાં વધુ એક છોગું ઉમેરાયું છે. દીપિકા પદુકોણે ઉત્કૃષ્ટ અભિનય અને બોલિવૂડમાં પ્રશંસનીય પ્રદાન બદલ ગ્લોબલ એચિવર્સ એવોર્ડ ૨૦૨૧ મેળવ્યો છે. ઇન્ટરનેશનલ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ એચબીડબ્લ્યુ દ્વારા દર વર્ષે વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન કરનારા લોકોને આ એવોર્ડથી સન્માનિત કરાય છે. એવોર્ડ વિજેતાઓની યાદીમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા, એમેઝોનના જેફ બેજોસ, સ્ટાર ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડ જેવી દુનિયાભરની લોકપ્રિય હસ્તીઓનો સમાવેશ થાય છે. આ આંતરાષ્ટ્રીય એવોર્ડ આ વર્ષે ૩૦૦૦થી વધુ નોમિનેશન્સ મળ્યા હતા. આમ જ્યુરી માટે વિજેતાઓેને શોર્ટલિસ્ટ કરવા સરળ નહોતું કેમ કે દરેક વ્યક્તિ પોતપોતાના ક્ષેત્રમાં સફળ ટ્રેક રેકોર્ડ ધરાવતી હતી. આ એવોર્ડ માટે વિજેતાઓની પસંદગી સોશિયલ મીડિયા ફોલોઅર્સ, ગુગલ સર્ચ અને અન્ય રેકિંગના આધાર પર થતું હોય છે.
દીપિકા એક ગ્લોબલ આઇકન છે, જે પોતાના ફેશન સ્ટેટમેન્ટથી જ નહીં પોતાની ફિલ્મો અને પરફોર્મન્સ સ્કિલ માટે પ્રશંસનીય રહી છે. ભારતમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ઓળખાતી દીપિકાએ પોતાની સખત મહેનતથી મનોરંજન દુનિયામાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. ૨૦૧૮માં ટાઇમ મેગેઝિને તેને વિશ્વની ૧૦૦ પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં સ્થાન આપ્યું હતું. આ સૂચિમાં સ્થાન મેળવનારી દીપિકા એક માત્ર ભારતીય અભિનેત્રી હતી. આ ઉપરાંત તેણે એશિયાની સૌથી પ્રભાવશાળી મહિલાનું પણ માન મેળવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter