ધ કાશ્મીર ફાઇલ્સઃ મુસ્લિમ આબાદી ધરાવતા યુએઇમાં એક પણ કટ વગર રજૂ થશે

Friday 08th April 2022 06:31 EDT
 
 

વિવેક અગ્નિહોત્રીની બહુચર્ચિત ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહી છે. હવે આ ફિલ્મને લઈને નવા એક અપડેટ આવ્યા છે. જે અનુસાર મુસ્લિમ આબાદી ધરાવતા દુબઇ અને સિંગાપોર જેવા દેશોમાં આ ફિલ્મ એક પણ કટ વગર રિલીઝ કરાશે. તેમજ 15 વરસથી વધુ વયની દરેક વ્યક્તિ આ ફિલ્મ જોઇ શકશે. આ ફિલ્મને યૂએઇમાં રિલીઝ કરવાની સેન્સરની મંજૂરી મળી ગઇ છે. ખાસ વાત તો એ છે કે, આ ફિલ્મ કોઇ પણ કટ વગર સાતમી એપ્રિલે રિલીઝ થશે.
વિવેક અગ્નિહોત્રીએ સોશ્યલ મીડિયા પર આ ખુશખબર શેર કરતાં લખ્યું હતુંઃ આ એક બહુ મોટી જીત છે. અમારી ફિલ્મને યૂએઇના સેન્સર બોર્ડથી મંજૂરી મળી ગઇ છે. રેટેડ 15 પ્લસ સાથે આ ફિલ્મને કોઇ પણ કટ વગર 7 એપ્રિલના રિલીઝ કરાશે. આ પછી સિંગાપોરનો વારો છે.
વિવેકે વધુમાં કહ્યું હતું કે, ભારતમાં ઘણા લોકોએ આ ફિલ્મને ઇસ્લામોફોબિક તરીકે ગણાવી છે, પરંતુ એક ઇસ્લામિક દેશે ચાર અઠવાડિયા સુધી તપાસ કર્યા પછી આ ફિલ્મને ઝીરો કટ અને 15 વરસથી ઉપરના દર્શકો માટે રજૂ કરવાની મંજૂરી આપી છે, જ્યારે ભારતમાં આ ફિલ્મને 18 વરસથી મોટી વયના લોકો માટે પ્રદર્શિત કરવા મંજૂરી મળી છે. ફિલ્મને લગતી એક રસપ્રદ વાત એ પણ છે કે, બોક્સ ઓફિસ પરના કલેકશનમાં રાજામૌલીની આરઆરઆરની આંધી પણ તેને હંફાવી શકી નથી. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ બોક્સ ઓફિસ પર 250 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી દીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter