‘ધ કાશ્મીર ફાઈલ્સ’માં લઘુમતી હિન્દુઓ પર થયેલા અત્યાચારોને પહેલી વાર ફિલ્મમાં દર્શાવાયા હતા. આ ફિલ્મે વિવાદના વમળો સર્જ્યા હતા. હવે ‘ધ કેરાલા સ્ટોરી’એ તેના કરતાં પણ વધુ વિવાદના વમળો સર્જ્યા છે. પાંચમી મેના રોજ પ્રીમિયર સાથે જ બમ્પર કમાણી કરનાર આ ફિલ્મમાં ‘ગોડ્સ ઓન કન્ટ્રી’ તરીકે દુનિયાભરમાં જાણીતા કેરળમાં બિનમુસ્લિમ મહિલાઓનું ધર્માંતરણ કરાવીને આતંકવાદી બનાવી દેવાના ષડયંત્રનું કથાવસ્તુ છે. આ ફિલ્મનું ટીઝર લોન્ચ થતાં જ વિવાદો શરૂ થઈ ગયા હતા, અને બાકી હતું તે એમાં રાજકારણ ભળ્યું હતું. ફિલ્મને એટલી પબ્લિસીટી મળી કે રિલીઝ થયાના ત્રણ જ દિવસમાં તેણે આઠ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ફિલ્મને મધ્ય પ્રદેશ સરકારે કરમુક્ત જાહેર કરી છે તો તામિલનાડુએ તેના વિષયવસ્તુને કોમી તંગદિલી વધારે તેવું ગણાવીને તેને પ્રદર્શિત કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાણીતા પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહની આ ફિલ્મમાં કેરળની ચાર બિન-મુસ્લિમ યુવતીઓની સ્ટોરી છે. તેમનું ધર્માંતરણ કરાવીને 2018-19માં આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ તથા અન્ય યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં મોકલી દેવામાં આવે છે. ફિલ્મમાં સાઉથની સ્ટાર અદા શર્મા લીડ રોલમાં છે. કેરળમાં સેંકડો બિન-મુસ્લિમ મહિલાઓનું બ્રેઈન વોશ કરી ધર્માંતરણ કરાવાયું હતું અને તેમનો ઉપયોગ ભારત સહિત દુનિયાભરમાં આતંકવાદ ફેલાવવા માટે થયો હતો. સુદીપ્તો સેને ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે. ફિલ્મમાં ચાર મહિલા પાત્રોએ ભોગવેલી યાતનાના માધ્યમથી આતંકવાદનો અત્યંત બિહામણો ચહેરો રજૂ કરાયો છે. કોલેજમાં જતી સામાન્ય પરિવારની છોકરીઓ કઈ રીતે ખતરનાક આતંકવાદી સંગઠનનો ભાગ બની જાય છે અને તેમના પર શું અત્યાચારો ગુજારાય છે, તેની સિલસિલાબંધ વિગતો ફિલ્મમાં રજૂ કરાઇ છે.
કેરળ સ્ટોરી રિલીઝ થતાં જ સપોર્ટ અને બોયકોટના ટ્રેન્ડ શરૂ થઈ ગયા છે. ફિલ્મના વિષયવસ્તુને બોલ્ડ અને તટસ્થ ગણવાનારા લોકોની સાથે તેને કાલ્પનિક કહેનારા લોકો પણ છે. જોકે ફિલ્મમેકર્સે સ્પષ્ટતા કરી છે કે, વર્ષોના રિસર્ચ બાદ સત્યઘટનાના આધારે ફિલ્મ બનાવાઇ છે. આ ફિલ્મમાં ઘણાં ધરબાયેલા સત્યો ઉજાગર થશે. દેશભરની મહિલાઓ માટે જોખમી બની રહેલા કટ્ટર તત્વોને ઉઘાડા પાડવાનો પ્રયાસ આ ફિલ્મમાં થયો છે. આ ફિલ્મ વિશ્વની એવી હજારો મહિલાઓનો અવાજ છે, જેમનું આતંકવાદ અને ગુનાખોરી માટે શોષણ થયું છે.