ધમકીઓ આપનારા નરાધમો છેઃ સલીમ ખાન

Friday 26th April 2024 07:14 EDT
 
 

એક્ટર સલમાનના ખાનના ઘર પર બિશ્નોઇ ગેંગના બે શૂટરોએ કરેલા ગોળીબારથી ભારે ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 18 એપ્રિલે એક્ટરના ઘરે જઇને તેને સહાનુભૂતિ અને હિંમત આપી હતી. તેમણે અભિનેતાની સલામતીની ચિંતા કરતાં કહ્યું હતું કે રાજ્યમાં કોઇ ગેંગને માથું ઉચકવા નહિ દઇએ. બિશ્નોઇ ગેંગને ખતમ કરી દેવાશે. એકનાથ શિંદે અને સલમાનની મુલાકાત વેળા જાણીતા લેખક અને સલમાનના પિતા સલીમ ખાન પણ હાજર હતા.
બાદમાં સલીમ ખાને કહ્યું હતું કે ધમકીઓ આપનારા નરાધમો છે, આવા નરાધમો વિશે વાત કરવાનો શો ફાયદો? તેમણે કહ્યું રાજ્યના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પૂરા ખાન પરિવારને વધારાની સુરક્ષા પૂરી પાડશે તેમ કહ્યું છે. અમારી પાસે વધારાનું પોલીસ રક્ષણ છે. મુંબઈ પોલીસે પણ અમારી અને અમારા નજીકના લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લીધાં છે. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે તેનો અર્થ કે પોલીસ કેસ પર કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસ કચ્છના યાત્રાધામ માતાના મઢથી બે લોકોની ધરપકડ કરી ચૂકી છે અને બંને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ ધરાવતા હોવાનું
ખૂલ્યું છે.
સલીમ ખાને જણાવ્યું હતું કે સલમાનને રાબેતા મુજબ તેમનું કામ કરતા રહેવા સલાહ અપાઇ છે. હાલમાં પોલીસ કેસ સંભાળી રહી હોવાથી જાહેરમાં આ મુદ્દે વધુ કાંઈ બોલવાથી બચવું જોઈએ. અરબાઝે એક નિવેદનમાં કહ્યું હતું કે ગોળીબારની ઘટનાથી કુટુંબ પ્રભાવિત થયું છે. જોકે તેમણે પોલીસ તપાસમાં પૂરો સહયોગ કરાશે તેવી વાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter