બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને એક ભાવુક બ્લોગ લખીને હી-મેન ધર્મેન્દ્રની વિદાયને લાગણીસભર અંજલિ આપી છે. તેમણે લખ્યું છે કે આ વ્યવસાયમાં તેમના જેવું સ્મિત, આકર્ષણ અને હુંફ મળવી રેર છે. બિગ બીએ તેમના બ્લોગમાં લખ્યું છે, ‘વધુ એક બહાદુર અને વિશાળ હૃદય ધરાવતી વ્યક્તિ આપણને છોડીને જતી રહી, અસહ્ય અવાજ ધરાવતું મૌન છોડીને આ તખ્તો છોડી દીધો.’
ધર્મેન્દ્રના વ્યક્તિત્વ અને તેમની અસર વિશે અમિતાભ બચ્ચને લખ્યું છે, ‘ધરમજી, મહાનતાનો પર્યાય હતા. માત્ર તેમની શારીરિક હાજરી માટે જ નહીં, પરંતુ તેમના હૃદયની વિશાળતા અને તેમની સાથે જોડાયેલી તેમની સૌથી પ્રિય સરળતા માટે પણ પ્રખ્યાત હતા. એક સમૂહ જેણે સતત બદલાતા દાયકા સાથે પરિવર્તન જોયું છે, તેમાં તેઓ જે પંજાબના ગામમાંથી આવતા હતા, તે પંજાબના ગામની માટીની સોડમ સાથે લઈને આવેલા અને હંમેશા તેની સાથે જોડાયેલા રહ્યા, તેમની સમગ્ર ચમકતી કારકિર્દી દરમિયાન ઉંડા મૂળ સાથે જોડાયેલા રહ્યા. ઈન્ડસ્ટ્રી બદલાઈ પણ એ ન બદાલાયા. તેમનું સ્મિત, તેમનું આકર્ષણ અને તેમની હુંફ, તેમના સંપર્કમાં જે પણ આવ્યા તેમના સુધી પહોંચી ગઈ છે, આ વ્યવસાયમાં તે મળવું રેર છે.’
અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રએ પહેલી વખત 1974માં ‘ચુપકે ચુપકે’માં સાથે કામ કર્યું હતું. તેના પછી તેમણે 1975માં ‘શોલે’ જેવી સુપરહિટ ફિલ્મમાં સાથે કામ કર્યું. ત્યાર બાદ તેમણે ‘નસીબ’, ‘રામ બલરામ’, ‘હમ કૌન હૈ’ જેવી ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું હતું. તેમના બ્લોગના અંતે અમિતાભે લખ્યું, ‘આપણી આજુબાજુની હવા ખાલી છે, એક શૂન્યાવકાશ સર્જાયો છે, જે હંમેશા ખાલી રહેશે.’ ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર જૂહુના પવન હંસ સ્મશાન ખાતે કરાયા હતા, જ્યાં અમિતાભ બચ્ચન તેમના દીકરા અભિષેક સાથે હાજર રહ્યા હતા.


