બોલિવૂડનાં લોકપ્રિય અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાજુક હોવાથી તેમને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શરૂમાં તેમને વેન્ટિલેટર પર મૂક્યા હોવાના અહેવાલો હતા, જોકે દેઓલ પરિવારે આ વાત નકારી છે. ધર્મેન્દ્રને શ્વાસ લેવાની તકલીક થયા બાદ હોસ્ટિપલમાં દાખલ કરાયા છે, જ્યાં હવે તેમની હાલત સુધારા પર હોવાનું સની દેઓલના સ્ટાફનું કહેવું છે. હાલ ડોક્ટરોની ટીમ તેમની ઘનિષ્ઠ સારવાર પર ધ્યાન આપી રહી છે. ધર્મેન્દ્રના પરિવારના મોટાભાગના સભ્યો હાલ હોસ્પિટલમાં હાજર છે. એવા પણ અહેવાલો છે કે તેમની અમેરિકામાં રહેતી પુત્રીઓને બોલાવી લેવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ધર્મેન્દ્રની તબિયત નરમગરમ રહે છે. તેમને 31મી ઓક્ટોબરે પણ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
આગામી ફિલ્મ ‘ઈક્કીસ’નું ટ્રેલર રિલીઝ
ધર્મેન્દ્ર આવતા મહિને ડિસેમ્બરમાં તેમનો 90મો જન્મ દિવસ મનાવશે. તેઓ છેલ્લા કેટલાક સમયથી તબિયતને લગતી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એપ્રિલ 2025માં તેમને મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. તે પછી તબિયત સુધરી હતી. મોટી ઉંમર છતાં તેઓ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં એક્ટિવ છે. તેઓ પોતાની ફિટનેસ માટે બહુ સભાન છે. તેમની ફિલ્મી સફર 1960માં શરૂ થઈ હતી. આ પછી અનેક ફિલ્મોમાં તેમણે યાદગાર ભૂમિકા નિભાવી છે. તેઓ આજે પણ ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે. તેમની આગામી ફિલ્મ ‘ઈક્કીસ’નું ટ્રેલર હમણાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેમના અભિનયની પ્રશંસા કરવામાં આવી રહી છે.


