ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા મળીઃ હવે ઘરે જ સારવાર લેશે

Wednesday 19th November 2025 05:52 EST
 
 

‘હી મેન’ ધર્મેન્દ્રને વધતી ઉમરની સમસ્યાઓને કારણે બે દિવસ મુંબઇની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં રહ્યા બાદ હવે રજા આપી દેવાઈ છે અને આગળની સારવાર તેઓ ઘરમાં જ લેશે. બુધવારે સવારે તેમના પરિવારે નિર્ણય લીધો કે તેમની સારવાર ઘરમાં જ કરવામાં આવશે. 89 વર્ષના ધર્મેન્દ્રને કયા કારણોસર એડમિટ કરાયા તે અંગે તેમના પરિવારે કોઈ માહિતી આપી નહોતી, પરંતુ અનેક અફવાઓ ફરતી થઈ હતી. આથી તેમની પુત્રી અને એક્ટ્રેસ એશા દેઓલ, હેમા માલિની અને સન્ની દેઓલની ટીમે આ પ્રકારની અફવાઓ ન ફેલાવવા સૂચના આપીને રોષ પણ ઠાલવ્યો હતો.
બ્રીચકેન્ડી હોસ્પિટલમાં ધર્મેન્દ્રની સારવાર કરનાર ડો. પ્રતિત સામદાનીએ જણાવ્યું હતું, ‘ધર્મેન્દ્રજીને રજા આપી દેવાઈ છે. તેમના પરિવારે ઘરે જ તેમની સારવાર કરવાનું નક્કી કર્યું હોવાથી હવે આગળની સારવાર ઘરમાં જ કરાશે.’ જોકે, તેમની તબિયત અંગે પૂછાતા તેમણે એટલું જ કહ્યું હતું કે તેઓ માત્ર એટલું જ કહી શકે તેમ છે કે ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. જ્યારે તેમના પરિવાર દ્વારા અપાયેલા નિવેદનમાં જણાવાયું હતું, ‘મિસ્ટર ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે અને હવે તેઓ ઘરે સારવાર લઈને સાજા થશે. અમે મીડિયા અને જનતાને કોઈ પણ પ્રકારની ધારણાઓથી બચવા વિનંતી કરીએ છીએ અને આ સમયે તેમની અને તેમના પરિવારની અંગતતાનું માન રાખવા વિનવીએ છીએ. અમે આગળની સારવાર અને સારી તંદુરસ્તી તેમજ લાંબા જીવન માટે આપના પ્રેમ, પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓની કદર કરીએ છીએ. તેઓ તમને પ્રેમ કરે છે તો મહેરબાની કરીને એમનું માન રાખો.’ દરમિયાન શાહરુખ ખાન, આમીર ખાન અને સલમાન ખાન સહિતના કલાકારો ધર્મેન્દ્રની ખબર જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યારે તેમને ઘરે લઈ જવાયા બાદ અમિતાભ બચ્ચન જાતે ગાડી ડ્રાઇવ કરીને પોતાના મિત્રને મળવા પહોંચ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter