પહેલા ભાગમાં શાનદાર સફળતા સાથે કમાણીનો વિક્રમ સર્જનાર ‘ધુરંધર’ ફિલ્મના બીજા ભાગે પણ સફળતાનો ઇતિહાસ રર્ચો છે. ફિલ્મના બીજા ભાગ ‘ધુરંધરઃ ધ રિવેન્જ’એ રિલીઝ થયાના પહેલા જ દિવસે રૂ. 237 કરોડની વર્લ્ડવાઇડ કમાણી કરી છે. આ પહેલા કોઈપણ હિન્દી ફિલ્મ પ્રથમ દિવસે 200 કરોડની કમાણીના આંકડાને પાર કરી શકી નથી. ‘જવાન’ (2023)એ પ્રથમ દિવસે દુનિયાભરમાં 150 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘ધુરંધર’ ભારતમાં પેઈડ પ્રિવ્યૂ સાથે બે દિવસમાં રૂ. 220 કરોડના બિઝનેસ સુધી પહોંચી ગઇ હતી.
મલ્ટિપ્લેક્સ દ્વારા યોજાયેલા 24x7 શો જ ફિલ્મની જ્વલંત સફળતાનો અણસાર આપતા હતા. અડધી સદી પછી કોઈ ફિલ્મ માટે આવી દિવાનગી જોવા મળી છે. આ પૂર્વે ‘શોલે’ (1973)ના 12 વાગ્યાના શો માટે સવારે 5 વાગ્યાથી લાઈનો લાગી જતી હતી. ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ના શો 24x7 શો યોજાવા છતાં તમામ હાઉસફુલ થઇ રહ્યાં છે. પહેલા દિવસે બુકમાયશો પર એક કલાકમાં 1.09 લાખ ટિકિટ વેચાઈ હતી. જ્યારે ’પુષ્પા-2’ની 1.07 લાખ ટિકિટ વેચાઇ હતી.
‘ધુરંધરઃ ધ રિવેન્જ’ 8,900 સ્ક્રિન પર રિલીઝ થઈ છે અને પ્રથમ દિવસે 21 હજાર શો થયા. જ્યારે ‘પુષ્પા-2’ 10 હજાર સ્ક્રીન પર 32 હજાર શો સાથે રિલીઝ થઈ હતી. ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ ફિલ્મે પહેલા દિવસે દુનિયાભરમાં કુલ રૂ. 236.63 કરોડનો વ્યવસાય કર્યો. આમાં ભારતમાંથી રૂ. 172.63 કરોડ જ્યારે વિદેશમાંથી રૂ. 64 કરોડની કમાણી થઈ હતી. ફિલ્મે રૂ. 300 કરોડના એડવાન્સ બુકિંગનો રેકોર્ડ સર્જ્યો છે. અત્યાર સુધી કોઇ ફિલ્મને આટલું એડવાન્સ બુકિંગ મળ્યું નથી.


