અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ તેની વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં યૌનશોષણ અને છેતરપિંડીનો આરોપ મૂકીને લેખિતમાં ફરિયાદ કરી છે. છેલ્લા થોડા મહિનાઓથી નવાઝ અને તેનો ભાઇ કથિત રીતે છેડછાડ અને દુરાચારને મામલે સમાચારમાં છે. આ ફરિયાદમાં આલિયાએ નવાઝુદ્દીન પર યૌનદુરાચાર અને છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. અહેવાલ છે કે, ફરિયાદ દાખલ કરાયા બાદ વકીલે એક નિવેદન જાહેર કરીને લખ્યું છે કે, મારી ક્લાયન્ટે વર્સોવા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં વિસ્તૃત ફરિયાદ આપી છે. આશા છે કે જલદી એફઆઇઆર દાખલ કરાશે. નવાઝુદ્દીન સિદ્દીકી આ ફરિયાદ પર કોઇ પ્રતિક્રિયા આપી નથી. નવાઝુદ્દીનના ભાઇ શમ્સ પર આલિયાએ કથિત રીતે છેડછાટનો આરોપ મૂક્યો છે તો બીજી તરફ કહેવાઇ રહ્યું છે કે તે ભાગી ગયો છે. શમ્સનો દાવો છે કે આલિયા આર્થિક લાભ માટે આ બધું કરી રહી હતી.
નવાઝુદ્દીનની પત્ની આલિયાએ કહ્યું કે, અમારી કંપની મેજિક એફ ફિલ્મ્સ એલએલપીમાં નવાઝ, શમ્સ અને હું ભાગીદાર છું. હું અત્યારે પણ ૨૫ ટકાની ભાગીદાર છું. મેં મારી કંપનીમાંથી પોતાની ફિલ્મ માટે થોડી રકમ ઉધાર લીધી છે. હવે શમ્સ આ રૂપિયા અંગે દાવો કરે છે. આ રૂપિયા તેના કેવી રીતે હોઇ શકે છે? તે ખુદ નવાઝુદ્દીનના પૈસા પર નભે છે અને જો મેં મારા પતિ પાસેથી પૈસા માગ્યા હોય અને તેણે મેનેજર પાસેથી ટ્રાન્સફર કરાવ્યા હોય તો શમ્સ કેવી રીતે રૂપિયા પર દાવો કરી શકે કે આ તેના પૈસા છે? હું નવાઝુદ્દીનની પત્ની છું હું તેના પૈસા કેમ ન માગી શકું?