નશીલા પદાર્થોનું વ્યસન વળગ્યું હતું આ પાંચ કલાકારોને...

Tuesday 15th September 2020 07:43 EDT
 
 

ડ્રગ્સ કેસમાં જ્યારથી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિકની ધરપકડ થઇ છે ત્યારથી બોલિવૂડના કલાકારો દ્વારા નશીલા પદાર્થોના સેવનનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. કોઇ કહે છે કે સતત નિષ્ફળતા કલાકારોને નશીલા પદાર્થોનું સેવન કરવા તરફ દોરી જાય છે તો કોઇના સફળતાના કારણે કલાકારો છકી જાય છે અને આ દૂષણ ભણી આકર્ષાય છે. સાચું જે કંઇ પણ હોય, એ હકીકત છે કે બોલિવૂડમાં MDMA ડ્રગ્સની ખૂબ બોલબાલા છે. એમડીએમએ એક સિન્થેટિક ડ્રગ છે જે ઉત્તેજક તરીકે કામ કરે છે. આ ડ્રગ શરીરમાં સ્ફૂર્તિદાયક પ્રભાવ પેદા કરે છે, સમય અને ધારણામાં વિકાર પેદા કરે છે. એમડીએમએની ટેબલેટ કે કેપ્સ્યૂલ લીધાના ૪૫ મિનિટ પછી તેની અસર શરૂ થાય છે. સુશાંત ડ્રગ્સ કેસની તપાસમાં ખૂલ્યું છે કે બોલિવૂડમાં ૭૦ ટકા લોકો ડ્રગ્સના બંધાણી છે. ડ્રગ્સ લીધા વગર કલાકારો ફિલ્મનું શૂટિંગ કરી જ શકતાં નથી તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. અહીં પાંચ એવા કલાકારોના નામ આપ્યા છે, જેમના નામ એક યા બીજા સમયે ડ્રગ્સના દૂષણ સાથે જોડાઇ ચૂક્યા છે.
• ફરદીન ખાનઃ વર્ષ ૨૦૦૧માં અભિનેતા ફરદીન ખાન કોકેન ખરીદવાના કેસમાં દોષિત ઠર્યો હતો. તેની પાસેથી થોડીક માત્રામાં કોકેન ઝડપાયું હતું. એનસીબીએ તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ કેસ કર્યો હતો.
• સંજય દત્તઃ સંજય દત્ત તો ખુદ જાહેર કરી ચૂક્યો છે કે તેને ડ્રગ્સ લેવાની આદત હતી અને એવું કોઇ ડ્રગ્સ નહીં હોય કે જેનું તેણે સેવન ન કર્યું હોય. તેનું કહેવું છે કે તમે એક વાર ડ્રગ્સની લતે ચડો પછી તેમાંથી બહાર નીકળવું અત્યંત કપરું હોય છે.
• રણબીર કપૂરઃ રણબીર કપૂર દારૂ અને ડ્રગ્સનો બંધાણી હોવાનું અવારનવાર સમાચારમાં આવતું રહે છે. રણબીરે એક ઇન્ટરવ્યૂમાં કબૂલ્યું હતું કે તેણે ૧૫ વર્ષની ઉંમરથી જ દારૂ અને ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું હતું. રિપોર્ટ અનુસાર રણબીરની ડ્રગ્સની લત છોડાવવા માતા નીતુ કપૂરે ઓસ્ટ્રિયાના રિહેબ સેન્ટરમાં પણ મોકલ્યો હતો.
• હની સિંહઃ પંજાબી સિંગર હની સિંહે કબૂલી ચૂક્યો છે કે તે બાયોપોલર, આલ્કોહોલિક અને ડ્રગ્સનો બંધાણી છે. હની સિંહની આ જાહેરાત બાદ ખૂબ મોટો વિવાદ થયો હતો.
• પ્રતીક બબ્બરઃ આ યુવા અભિનેતા તો જાહેરમાં કહી ચૂક્યો છે કે તેને ૧૩ વર્ષની ઉંમરથી ડ્રગ્સ લેવાની આદત પડી ગઇ હતી. તેણે કહ્યું હતું કે તેને પાર્ટીઓમાં ડ્રગ્સ લેવાનું પસંદ નહોતું, પરંતુ તેને વહેલી સવારમાં ડ્રગ્સ લેવાનું પસંદ હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter