નસીરુદ્દીન શાહે ફરી વિવાદનો પલિતો ચાંપ્યો

Thursday 06th January 2022 09:13 EST
 
 

અભિનેતા નસીરુદ્દીન શાહ ફરી એક વાર ચર્ચામાં છે. હરિદ્વારમાં યોજાયેલી ધર્મસંસદમાં કેટલાક સાધુસંતો દ્વારા અન્ય ધર્મો અંગે થયેલી ટિપ્પણી ટાંકીને દેશમાં ગૃહયુદ્ધની આશંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે દેશમાં બધું જ મુસ્લિમોને ડરાવવા થઈ રહ્યું છે. ચર્ચ-મસ્જિદ તોડાઇ રહ્યા છે. જો મંદિર તોડવામાં આવશે તો વિચારો કેવું લાગશે? નસીરુદ્દીન શાહનું માનવું છે કે જે લોકો મુસ્લિમોના નરસંહારનું આહવાન કરી રહ્યા છે તેઓ દેશમાં ગૃહયુદ્ધને નોતરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘ધર્મસંસદમાં ભાષણ આપનારા ગૃહયુદ્ધને નિમંત્રણ આપી રહ્યા છે. અમે ૨૦ કરોડ લોકો આટલી સરળતાથી ખતમ નહીં થઇએ. અમે ૨૦ કરોડ લોકો લડીશું. આ લડાઇ ધર્મરક્ષા માટે નહીં, પરંતુ અમારા કુટુંબો અને ઘરોને બચાવવા માટેની હશે.’ તેમણે કહ્યું કે સત્તાધારી પક્ષ ભાગલાવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે અને ઔરંગઝેબને બદનામ કરાઈ રહ્યા છે. એટલું જ નહીં તેમણે મુઘલને રેફ્યૂજી સુદ્ધા કહી દીધું. નસીરુદ્દીન શાહે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં તેમણે ધર્મસંસદને મુદ્દે વિસ્તારપૂર્વક વાત કરીને મુસ્લિમોને એકસંપ થવા સલાહ પણ આપી. તેમણે કહ્યું કે અમારા ૨૦ કરોડ લોકો માટે આ માતૃભૂમિ છે. અમે ૨૦ કરોડ લોકો અહીંના જ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter