નાટક હંમેશા આનંદ આપતું રહ્યું છે, અને આપતું રહેશેઃ મનોજ

Friday 12th May 2023 07:45 EDT
 
 

નાટ્યકલા ક્ષેત્રેથી હિન્દી ફિલ્મઉદ્યોગમાં પગરણ માંડનારા અને એન્ટ્રી સાથે જ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું મજબૂત સ્થાન જમાવનારા મનોજ બાજપેયીનું સ્વપ્ન છે ડ્રામા ઇન્સ્ટિસ્ટટ્યુટ શરૂ કરવાનું. મનોજ બાજપેયીએ અનેક વર્ષો સુધી રંગભૂમિ પર પોતાનું કૌશલ્ય દર્શાવ્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે અને પોતાના અભિનયથી સૌ કોઈને ઈમ્પ્રેસ કર્યા છે. મનોજ બાજપેયીએ તાજેતરમાં નાટક વિશે કહ્યું હતું કે, નાટક હંમેશા લોકોને આનંદ આપતું રહ્યું છે અને વર્ષો જૂનું મનોરંજનનું માધ્યમ છે. હું માનું છું કે, નાટકની પ્રગતિ અને પ્રસિદ્ધિને ટેલિવિઝન અને સિનેમાના કારણે અસર થઈ છે, પરંતુ તેના જાદુને કોઈ પણ વ્યક્તિ મિટાવવા પર આ સમર્થ છે. આ ઉપરાંત, મનોજે પોતાના રિટાયર્ડમેન્ટ પ્લાન અને નેપોટિઝમ અંગે પોતાના વિચાર રજૂ કર્યા હતા. રિટાયરમેન્ટ પ્લાન વિશે મનોજે જણાવ્યું હતું કે, એક્ટિંગમાંથી રિટાયર્ડ થઈને મારી ઈચ્છા એક નાનું ઇન્સ્ટિટયૂટ શરૂ કરવાની છે. જેમાં ડ્રામા વિશેની પ્રેક્ટિકલ અને થિયરિટીકલ ટ્રેનિંગ મળી શકે. હું એક્ટિંગ વિશે જાણવા અને શીખવા ઇચ્છુક લોકોને એક સારું પ્લેટફોર્મ આપવા ઇચ્છું છું. હું પણ ઇન્સ્ટિટ્યૂટમાં એક્ટિંગ ક્લાસ લઈશ. જો ભવિષ્યમાં મારી પાસે પૈસા હશે તો એક નાની એક્ટિંગ સ્કૂલ શરૂ કરીને નવા ટેલેન્ટેડ યુવાનોને ટ્રેઈન કરવાનું મારું સપનું છે. હું વિચારું છું કે, એક એવી જગ્યાનું નિર્માણ થાય જ્યાં ડ્રામાના વિવિધ પાસાઓ શીખવાડવામાં આવે અને લોકો આ માધ્યમથી કારકિર્દી બનાવી શકે. મનોજે નવાંગતુકોને સલાહ આપતા કહ્યું હતું કે, જો ઈન્ડસ્ટ્રીમાં તમારી પાસે કોઈ ગોડફાધર નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમારે તમારા ક્રાફ્ટ પર વધારે કામ કરવાની જરૂર છે. નેપોટિઝમ તો છે અને રહેશે જ. તેના વિશે ચર્ચા કરીને કોઈ ફાયદો નથી. તમે જો તમારી અંદરના એક્ટર પર કામ કરશો તો તમારા કામની નોંધ લેવાશે અને તમને ઇન્ડસ્ટ્રીમાં કોઈ અવગણી નહીં શકે એટલે મહેનત કરતા રહો અને આગળ વધો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter