નિતેશ તિવારીની ‘રામાયણ’ ત્રણ ભાગમાં હશેઃ મુંબઇ-લંડનમાં શૂટિંગ

Tuesday 12th March 2024 08:42 EDT
 
 

નિતેશ તિવારીના આગામી મહાકાવ્ય ‘રામાયણ’ની તૈયારીઓ પૂરજોશમાં ચાલે છે. અહેવાલ પ્રમાણે ફિલ્મનિર્માતા તેને એક ભાગમાં નહીં, પરંતુ ત્રણ ભાગમાં બનાવશે અને દરેક એપિસોડ ભવ્ય હશે. પહેલા ભાગમાં રામ, અયોધ્યામાં તેમનો પરિવાર, સીતા સાથેના લગ્ન અને 14 વર્ષનો વનવાસ બતાવવામાં આવશે. પ્રથમ ભાગ સીતાના અપહરણ સાથે સમાપ્ત થશે. બીજા ભાગમાં હનુમાનજીની વાર્તા દર્શાવવામાં આવશે. આ ભાગ સીતાના અપહરણથી શરૂ થશે અને તેમાં હનુમાન, રામ અને લક્ષ્મણનું મિલન તથા લંકા પર આક્રમણ સુધીની વાર્તા બતાવવામાં આવશે. ફિલ્મના ત્રીજા ભાગમાં રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ જોવા મળશે. રાવણને હરાવીને રામ અને સીતાના અયોધ્યા પાછા ફરવાનો ઉલ્લેખ હશે. રણબીર કપૂર ટૂંક સમયમાં નીતિશ તિવારીના આ પ્રોજેક્ટના શૂટિંગ માટેની તૈયારી કરશે. શૂટિંગનો મોટો હિસ્સો મુંબઈમાં શરૂ થવા જઈ રહ્યો છે, જે લગભગ 60 દિવસ સુધી ચાલશે, ત્યારબાદનું શિડ્યૂલ લંડનમાં ફિલ્માવાશે. અહેવાલ અનુસારસ ‘રામાયણ’ની વાર્તામાં લંકાને દર્શાવતા ભાગોનું શૂટિંગ લંડનમાં કરાશે, જે લગભગ 60 દિવસ સુધી ચાલશે, આ તબક્કામાં અભિનેતા યશ રણબીર સાથે જોડાશે. સની દેઓલ હનુમાનની ભૂમિકા ભજવશે.
‘રામાયણ’નું દરેક પાત્ર એટલું મહત્વનું છે કે તેને કોણ ભજવશે તેના પર સૌની નજર છે. એવા અહેવાલ હતા કે વિજય સેતુપતિ વિભીષણની ભૂમિકા ભજવી શકે છે પરંતુ હવે એવુ જાણવા મળ્યું છે કે હરમન બાવેજા વિભીષણની ભૂમિકા ભજવશે. ડિરેક્ટર હેરી બાવેજાના પુત્ર હરમન બાવેજાએ 2008માં ફિલ્મ ‘લવ સ્ટોરી 2050’થી ડેબ્યૂ કર્યું હતું. જેમાં પ્રિયંકા ચોપડા તેની હિરોઇન હતી. ફિલ્મ આ મહિનાથી ફ્લોર પર જશે. સૌથી પહેલા રણબીર અને સાઈ પલ્લવી સાથે શૂટિંગ શરૂ થશે. મેકર્સ 17 એપ્રિલે રામનવમીના પાવન અવસર પર ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી શકે છે. હાલમાં ફિલ્મનું પ્રી-પ્રોડક્શન વર્ક ચાલે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter