રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને ફિલ્મ તથા ટીવી પરદાના જાણીતાં અભિનેત્રી ઉત્તરા બાઓકરનું 79 વર્ષની વયે નિધન થયું છે. આ માહિતી દિવંગત અભિનેત્રીના પરિવારે આપી છે. પરિવારનોના જણાવ્યા અનુસાર લાંબી માંદગીના કારણે ઉત્તરાએ 11 એપ્રિલે પૂણેની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા અને બીજા દિવસે દિવંગત અભિનેત્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉત્તરા બાઓકરે મૃણાલ સેનની ફિલ્મ ‘એક દિન અચાનક’માં પ્રોફેસરના પત્નીની ભૂમિકા ભજવી હતી. આ રોલમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. ફિલ્મમાં સશક્ત અભિનય માટે ઉત્તરાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. આ સિવાય ઉત્તરાએ ગોવિંદ નિહલાનીની ‘તમસ’ તેમજ ‘રુક્માવતી કી હવેલી’માં મહત્ત્વપૂર્ણ પાત્રો ભજવ્યા હતા, જેમના માટે તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉત્તરા બાઓકરે ‘ઉડાન’, ‘અંતરાલ’, ‘એક્સઝોન’, ‘રિશ્તે’, ‘કોરા કાગજ’, ‘નજરાના’, ‘જસ્સી જૈસી કોઈ નહીં’, ‘જબ લવ હુઆ’ સહિત અનેક ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે.