નેશનલ એવોર્ડઃ અલ્લુ અર્જુન બેસ્ટ એક્ટર, આલિયા અને ક્રિતી બેસ્ટ એક્ટ્રેસ

Wednesday 30th August 2023 09:04 EDT
 
 

ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા 69મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ ‘પુષ્પાઃ ધી રાઈઝ’ ફિલ્મ માટે તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુનને મળ્યો છે. જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર બે એકટ્રેસ વચ્ચે વહેંચાયો છે. આલિયા ભટ્ટને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે તથા ક્રિતી સેનનને ‘મીમી’ ફિલ્મ માટે આ એવોર્ડ મળ્યા છે. બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ આર. માધવનની ‘રોકેટ્રી’ને મળ્યો છે. જોકે, સર્વશ્રેષ્ઠ મનોરંજક ફિલ્મનો એવોર્ડ ‘આરઆરઆર’ને અપાયો છે. હિન્દીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ વીકી કૌશલની ‘સરદાર ઉધમસિંઘ'ને મળ્યો છે. ટિકિટબારી પર લોકજુવાળ સર્જનારી ફિલ્મ ‘ધી કાશ્મીર ફાઈલ્સ’ને રાષ્ટ્રીય એકતા જગાવનારી ફિલ્મ તરીકેનો નરગીસ દત્ત એવોર્ડ જાહેર કરાયો છે. ‘શેરશાહ’ ફિલ્મને સ્પેશ્યલ જ્યૂરી એવોર્ડ જાહેર કરાયો છે. ફિલ્મ ‘મીમી’ માટે જ પંકજ ત્રિપાઠીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડર અપાયો છે. જ્યારે પલ્લવી જોશીને ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ માટે બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનો એવોર્ડ મળ્યો છે.
આ વખતે એવોર્ડ માટે કુલ 430 એન્ટ્રી આવી હતી. એવોર્ડ નક્કી કરવા માટે રચાયેલી જ્યુરીમાં ફીચર ફિલ્મ કેટેગરીના ચેરમેન કેતન મહેતા, નોન-ફીચર ફિલ્મ જ્યુરીના ચેરમેન તરીકે વસંત સાઈ તથા બેસ્ટ રાઈટિંગ ઓન સિનેમાની જ્યુરીના ચેરમેન તરીકે યતિન્દ્ર મિશ્રાનો સમાવેશ થતો હતો. સંજય લીલા ભણશાળીએ પોતાની ફિલ્મ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ને મળેલા એવોર્ડઝ અંગે ખુશી જાહેર કરતાં કહ્યું હતું કે સારી ફિલ્મોની કદર થઈ છે. અમારા બધા માટે આ ધન્યતાની ઘડી છે.

કેટેગરી અને વિજેતા

બેસ્ટ ફીચર ફિલ્મ રોકેટ્રીઃ ધી નામ્બિ ઈફેક્ટ
બેસ્ટ મનોરંજક ફિલ્મ આરઆરઆર
રાષ્ટ્રીય એકતા માટે બેસ્ટ ફિલ્મ ધી કાશ્મીર ફાઈલ્સ
શ્રેષ્ઠ બાળ ફિલ્મ ગાંધી એન્ડ કં. (ગુજરાતી)
શ્રેષ્ઠ દિગ્દર્શન નિખિલ મહાજન (મરાઠી ફિલ્મ ‘ગોદાવરી’)
બેસ્ટ એક્ટર અલ્લુ અર્જુન (પુષ્પા)
બેસ્ટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી), ક્રિતી સેનન (મીમી)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર પંકજ ત્રિપાઠી (મીમી)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ પલ્લવી જોશી (ધી કાશ્મીર ફાઈલ્સ)
બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ ભાવિન રબારી (ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’)
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર કાલભૈરવ (આરઆરઆર)
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલ (ઈરાવીન નિઝલ તમિલ)
બેસ્ટ મ્યુઝિક – સોંગ્સ દેવી પ્રસાદ (પુષ્પા - ધી રાઈઝ)
બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક એમ.એમ. કિરવારી (આરઆરઆર)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter