વર્ષ 2023 માટે શુક્રવારે જાહેર થયેલા 71મા નેશનલ એવોર્ડમાં શાહરુખ ખાનને ફિલ્મ ‘જવાન’ માટે અને વિક્રાંત મેસ્સીને ‘ટ્વેલ્થ ફેઈલ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરના એવોર્ડ જાહેર થયા છે તો રાણી મુખરજીને ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’ માટે બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ જાહેર થયો છે. ગુજરાતની એકટ્રેસ જાનકી બોડીવાલાને ‘વશ’ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનો નેશનલ એવોર્ડ જાહેર કરાયો છે. ઉલ્લેખનીય છે કે ‘વશ’ને ગુજરાતી ભાષાની કેટેગરીમાં બેસ્ટ ફિલ્મ જાહેર કરાઈ છે. 71મા નેશનલ એવોર્ડની જાહેરાત જ્યૂરીના વડા આશુતોષ ગોવારીકરે કરી હતી.
ઉલ્લેખનીય છે કે ત્રણ દાયકાથી વધુ લાંબી કેરિયરમાં શાહરુખ ખાનને પહેલી વાર બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે. શાહરુખે 1992માં રજૂ થયેલી ‘દિવાના’ ફિલ્મથી બોલિવૂડમાં કેરિયર શરૂ કરી હતી. આમ, 33 વર્ષે પહેલીવાર તેને રાષ્ટ્રીય પુરસ્કારનું સન્માન મળ્યું છે. વિક્રાંત મેસ્સીને આ વખતે ‘ટવેલ્થ ફેઈલ’ માટે નેશનલ એવોર્ડ મળશે તે લગભગ નક્કી મનાતું હતું. આ ફિલ્મમાં તેણે આઈપીએસ મનોજ કુમાર શર્માની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત રાણી મુખર્જી પણ આ વખતે એવોર્ડ મેળવી રહી હોવાનું અગાઉથી જ ચર્ચાતું હતું. જોકે, એવોર્ડ લિસ્ટમાં બેસ્ટ એક્ટર તરીકે શાહરુખનું નામ પણ હોવાનું જાણીને તેના ચાહકોએ આનંદ અનુભવ્યો હતો.
વિધુ વિનોદ ચોપરાની ‘ટ્વેલ્થ ફેઈલ’ને બેસ્ટ ફિલ્મ જાહેર થઇ છે. જોકે, પોપ્યુલર ફિલ્મોની કેટેગરીમાં કરણ જોહરે બનાવેલી રણવીર અને આલિયાની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ને નેશનલ એવોર્ડ અપાયો છે. બીજી તરફ, મેઘના ગુલઝારે બનાવેલી ફિલ્મ માર્શલ સામ માણેકશાની બાયોપિક ‘સામ બહાદુર’ને રાષ્ટ્રીય એક્તાને ઉત્તેજન આપતી ફિલ્મ તરીકેની કેટેગરીમાં એવોર્ડ અપાયો છે. સામ બહાદુરને કોસ્ચ્યુમ તથા મેકઅપની કેટેગરીમાં પણ એવોર્ડ મળ્યો છે.
ગુજરાતની જાનકી બોડીવાલને ‘વશ’ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનો એવોર્ડ મળ્યો છે. અન્ય ત્રણ અભિનેત્રીઓ સાથે તે આ એવોર્ડ શેર કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિંદી રિમેક ‘શૈતાન’ નામે બની અને જાનકી બોડીવાલાને હિંદીમાં પણ તેના રોલ માટે સિલેક્ટ કરાઈ હતી. તેણે આ પાત્ર અન્ય કેટલાક પોપ્યુલર એવોર્ડઝ પણ મેળવ્યા છે.
સરકાર અને દિગ્દર્શકનો આભારઃ શાહરુખ
ફિલ્મ ‘જવાન’માં અભિનય માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવનાર શાહરુખે પ્રતિક્રિયા આપતાં ખુશી જાહેર કરવાની સાથોસાથ ભારત સરકાર અને ફિલ્મ દિગ્દર્શક એટલીનો આભાર માનતા વીડિયો શેર કર્યો છે. એક્સ એકાઉન્ટ પર વીડિયો શેર કરતાં શાહરુખે ભારત સરકાર તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયનો આભાર માન્યો છે. તેમણે જ્યુરીનો પણ આભાર માન્યો છે. સાથે સાથે જ શાહરુખે ફિલ્મ ‘જવાન’ના દિગ્દર્શક એટલી અને ફિલ્મની પૂરી ટીમનો આભાર માન્યો છે. અભિનેતાએ એટલીનો વિશેષ ઉલ્લેખ કરવાની સાથોસાથ પત્ની, સંતાનો અને પ્રશંસકોનો પણ આભાર માન્યો છે.
મુખ્ય એવોર્ડઝ કેટેગરી વિજેતા
બેસ્ટ ફિલ્મ ‘ટ્વેલ્થ ફેઈલ’
બેસ્ટ ડિરેક્શન સુદિપ્તો સેન (‘ધ કેરાલા સ્ટોરી’)
બેસ્ટ ફિલ્મ (પોપ્યુલર) ‘રોકી ઔર રાની કી પ્રમ કહાની’
બેસ્ટ ફિલ્મ (રાષ્ટ્રીય એકતા) ‘સામ બહાદુર’
બેસ્ટ એનિમેશન ફિલ્મ ‘હનુમાન’
બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ ‘નાલ ટુ’
બેસ્ટ ગુજરાતી ફિલ્મ ‘વશ’
બેસ્ટ એક્ટર શાહરુખ ખાન (‘જવાન’)
વિક્રાંત મૈસ્સી (‘ટવેલ્થ ફેઈલ’)
બેસ્ટ એકટ્રેસ રાની મુખર્જી (‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’)
બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસ જાનકી બોડીવાલા (‘વશ’)
બેસ્ટ મ્યુઝિક જીવી પ્રકાશ કુમાર (‘વાથી’)
હર્ષવર્ધન રામેશ્વર (‘એનિમલ’)
બેસ્ટ સિંગર શિલ્પા રાવ (‘ચલિયા સોંગ...’ - ફિલ્મ ‘જવાન’)
રોહિત (પ્રેમીસ્થુન્ના...‘બેબી’)