ફિલ્મસ્ટાર વરુણ ધવને ૨૪મી જાન્યુઆરીએ પંજાબી રીત - રિવાજથી લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે અલીબાગમાં ‘ધ મેન્શન હાઉસ’માં લગ્ન કર્યાં હતાં. આમ તો લગ્ન બપોરે હતાં, પરંતુ મોડું થવાને કારણે લગ્ન સાંજે લગ્ન થયાં હતાં. લગ્નમાં વરુણ ધવને સલમાન ખાનના ગીત પર એન્ટ્રી લીધી હતી.
સલમાનના ગીત પર એન્ટ્રી
વરુણ ધવને ક્વોડ બાઈક પર માંડવામાં એન્ટ્રી લીધી હોવાનું કહેવાય છે. વરુણે સલમાન ખાનની ફિલ્મ 'સલામ-એ-ઈશ્ક'નું ગીત 'તેનુ લે કે મૈં જાવાંગા' પર ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. વરુણ ધવનના નજીકના મિત્રોએ 'મેરે યાર કી શાદી', 'તનુ વેડ્સ મનુ'ના ગીત 'સાડી ગલી આયા કરો' પર ડાન્સ કર્યો હતો.
જાનમાં કરણ જોહર-મનીષ મલ્હોત્રા
સાંજે સાત વાગે વરુણ ધવનની જાન મેન્શન હાઉસની અંદર જ નીકળી હતી. જાનૈયાઓમાં કરણ જોહરનો પરિવાર, મનિષ મલ્હોત્રા, કુણાલ કોહલી જોવા મળ્યો હતો. જાનૈયાઓએ મન મૂકીને ડાન્સ કર્યો હતો. ઢોલના તાલે જાનૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા.
શા માટે લગ્નમાં મોડું થયું?
ચર્ચા હતી કે વરુણ – નતાશાના લગ્નનું મુહૂર્ત બપોરનું હતું. જોકે, ૨૩મી જાન્યુઆરીએ સંગીત સેરેમની યોજાઈ હતી. સંગીત સેરેમનીમાં DJ બોસ્કોને બોલાવવામાં આવ્યો હતો. DJ પાર્ટી વહેલી સવાર સુધી ચાલી હતી. આથી જ બીજા દિવસના તમામ શિડ્યુઅલમાં ફેરફાર થયા હતાં. હલ્દી સેરેમની સવારે થવાની હતી, પરંતુ તે બપોરે ૧૨.૪૫ વાગે થઈ હતી. ત્યારબાદ નતાશાની ચૂડા સેરેમની યોજાઈ હતી.
હલ્દી સેરેમનીમાં બે ટીમ
હલ્દી સેરેમનીમાં વરુણ ધવનના મિત્રોએ બે ટીમ પાડી હતી, જેમાં એક ટીમનું નામ હમ્પ્ટી (ફિલ્મ 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા'માં વરુણના પાત્રનું નામ) તથા બીજી ટીમનું નામ વીર ('દિલવાલે' ફિલ્મમાં વરુણના કેરેક્ટરનું નામ) હતું. મિત્રોએ ટીમના નામ સાથે કલર પ્રિન્ટેડ ટીશર્ટ પણ બનાવી હતી.
લગ્ન બાદ કોકટેલ પાર્ટી
લગ્ન બાદ વરુણ ધવન તથા નતાશા દલાલે કોકટેલ પાર્ટી આપી હતી. કોકટેલ પાર્ટીમાં નતાશા તથા વરુણે રોમેન્ટિક ડાન્સ પર્ફોર્મન્સ આપ્યાં હતાં.
મોટાભાઈએ મહેમાનોનું ધ્યાન રાખ્યું
આ લગ્નની તમામ જવાબદારી વરુણના મોટાભાઈ રોહિત પર હતી. કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે મહેમાનો બહુ જ ઓછા હતા. રોહિત ધવને તમામ મહેમાનોનું અંગત રીતે ધ્યાન રાખ્યું હતું. ડેવિડ ધવને કોઈ પણ ચિંતા વગર નાના દીકરાના લગ્નને માણ્યા હતા.