પદ્મ સન્માન સમારંભમાં સિતારા ઝળહળ્યાઃ ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ ભુષણ

Thursday 28th May 2026 07:27 EDT
 
 

ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ એવોર્ડ્ઝના 131 પુરસ્કારોમાંથી 66 પુરસ્કાર સોમવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એનાયત થયા હતા. જેમાં આર. માધવનને પદ્મ શ્રી અને અલકા યાજ્ઞિક અને મામ્મુટ્ટીને પદ્મ ભુષણ એનાયત થયા, જ્યારે સતીશ શાહને મરણોપરાંત પદ્મ શ્રી પુરસ્કાર તો ધર્મેન્દ્રને મરણોપરાંત પદ્મ ભુષણ સન્માન એનાયત થયું હતું. સાથે સાથે જ એડગુરુ પીયૂષ પાંડેને પણ મરણોપરાંત પદ્મ ભુષણ એનાયત કરાયો હતો.
ધર્મેન્દ્ર વતી હેમા માલિનીએ પદ્મ પુરસ્કાર સ્વીકારતા એક ઇન્ટરવ્યુમાં ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું, ‘મારા માટે આ બહુ ભાવુક ક્ષણ હતી. અહાના મારી સાથે હતી, ઇશા આવવા માગતી હતી, પરંતુ ન પહોંચી શકી. આજે સમગ્ર પરિવાર ખુશ છે. સની, બોબી બધા જ આ એવોર્ડ વિશે જાણે છે અને અમારા બધા માટે આ મહત્વની ક્ષણ છે.’
જ્યારે ગાયિકા અલકા યાજ્ઞિકે 60 વર્ષની ઉમરે આ એવોર્ડ સ્વીકારતાં કહ્યું, ‘મને આ પ્રતિષ્ઠિત સન્માન આપવા બદલ હું ભારત સરકારની આભારી છું, હું મારા દરેક શ્રોતાઓનો પણ તેમના નિઃસ્વાર્થ પ્રેમ બદલ આભાર માનું છું. થેંક યુ સો મચ.’
જ્યારે માધવને પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, ‘તમામનો ખૂબ ખૂબ આભાર... હું અત્યંત કૃતજ્ઞતા અને વિનમ્રતા સાથે પદ્મશ્રી સ્વીકારું છું. મને મળેલું આ સન્માન મારા સૌથી અદભૂત સપનાઓથી પણ પર છે અને હું તેને મારા સમગ્ર પરિવાર વતી સ્વીકારું છું, જેમનો સતત સહયોગ અને વિશ્વાસ મારી સૌથી મોટી શક્તિ બની રહ્યો છે. હું આને માત્ર એક એવોર્ડ નહીં, પરંતુ એક જવાબદારી માનું છું. હું વચન આપું છું કે આ સન્માનને ગૌરવ, પ્રામાણિકતા અને મૂલ્યો પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા સાથે જાળવી રાખીશ.’ માધવને વધુમાં લખ્યું હતુંઃ ‘આ અસાધારણ સન્માન અને તેને પાત્ર ગણવા માટે મારું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે અને હું આશા રાખું છું કે આવતા વર્ષોમાં પણ ઈમાનદારી, વિનમ્રતા અને સમર્પણ સાથે સેવા આપતો રહીશ. તમારા બધા પ્રેમ અને સંદેશાઓથી હું અભિભૂત થઈ ગયો છું. કૃપા કરીને મને દરેકને જવાબ આપવા માટે થોડો સમય આપશો.’
જ્યારે મામ્મુટ્ટીએ સન્માન અંગે કહ્યું હતું, ‘માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા... મને પદ્મ ભૂષણ સન્માનથી નવાજવા બદલ દેશ, દેશવાસીઓ અને સરકારનો દિલથી આભાર.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter